<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

"ગરબા પાર્ટનર ફોર રેન્ટ": રૂ. ૧,૦૦૦ થી ૨,૦૦૦ ના રેટ કાર્ડ વાયરલ થતાં બજરંગ દળ લાલઘૂમ : આપી સીધી ચીમકી

નવરાત્રિ પૂર્વે સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો' ની જાહેરાતોથી મચ્યો હોબાળો; VHP અને બજરંગ દળે પવિત્ર તહેવારના વ્યાપારીકરણ સામે આક્રોશ વ્યક્ત કરી "લાઠીથી દાંડિયા રમાડવા" ની આપી ચેતવણી

નવરાત્રિના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક અનોખી અને વિવાદસ્પદ જાહેરાતે ગરબા રસિકો સહિત હિન્દુ સંગઠનોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર "ગરબા પાર્ટનર ફોર રેન્ટ" (ભાડે ગરબા ભાગીદાર) ના નામે પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એકલા રમવા જવાને બદલે ભાડાના પાર્ટનર સાથે દાંડિયા નાઈટ્સમાં જવા માટે ₹૧,૦૦૦ થી લઈને ₹૨,૦૦૦ સુધીના વિવિધ પેકેજ ઓફર કરવામાં આવ્યા છે. યુવકો અને યુવતીઓ બંને માટે તૈયાર કરાયેલા આ કથિત રેટ કાર્ડ સામે હિન્દુ સંગઠનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

આ વાયરલ પોસ્ટરોમાં ગ્રાહકોને આકર્ષવા માટે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ નામના ત્રણ અલગ-અલગ પેકેજ રજૂ કરવામાં આવ્યા છે. ₹૧,૦૦૦ ના સિલ્વર પેકેજમાં ૨ કલાક ગરબા રમવા, મેચિંગ કપડાં પહેરવા અને સેલ્ફી લેવા જેવી સુવિધાઓ છે, જ્યારે ₹૧,૫૦૦ ના ગોલ્ડ પેકેજમાં ૪ કલાકનો સમય, રીલ્સ બનાવવી અને ફેક લવ સ્ટોરીની વાર્તા ઊભી કરવાનો દાવો કરાયો છે. સૌથી મોંઘા ₹૨,૦૦૦ ના પ્લેટિનમ પેકેજમાં આખી રાત ગરબા રમવા ઉપરાંત હાથ પકડવો, કપાળ પર ચુંબન કરવું અને ગરબા પછી ઘરે સુરક્ષિત છોડવા જેવા વચનો આપવામાં આવ્યા છે.

ગરબાના પવિત્ર પર્વ સાથે પશ્ચિમી ડેટિંગ કલ્ચરને જોડવાના આ પ્રયાસ સામે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. બજરંગ દળના સંયોજકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નવરાત્રિ એ આરાધના અને ભક્તિનો ઉત્સવ છે, તેનું વ્યાપારીકરણ કે અશ્લીલતા ચલાવી લેવાશે નહીં. જો સુરત કે ગુજરાતમાં કોઈ આવી પ્રવૃત્તિ કરતું કે કરાવતું પકડાશે તો બજરંગ દળના કાર્યકરો તેમને પોતાની આગવી શૈલીમાં "દાંડિયા" વગાડીને પાઠ ભણાવશે. સાથે જ તેમણે નાગરિકોને આવી સાયબર અને ઓનલાઈન ફ્રોડ સ્કીમોથી દૂર રહેવા અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.

(9:01 PM IST)