તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદીમાં ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલા ચેકડેમના દરવાજા સમયસર નહીં લગાવાતા વરસાદી પાણી વહી ગયું
35 હજારની વસતી માટે નદી પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ચોમાસાના અંતે જ નદીમાં પાણી ઘટતાં ડિસેમ્બરથી પાણી ખરીદવાની જરૂર પડી શકે તેવી ચિંતા વધી

છોટાઉદેપુર નગરની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં વરસાદી પાણી સંગ્રહ કરવા કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો છે, પરંતુ સમયસર દરવાજા નહીં લગાવવામાં આવતા વરસાદનું મોટાભાગનું પાણી વહી ગયું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હવે ચોમાસું પૂર્ણ થવાના આરે છે અને નદીમાં પાણીનો પૂરતો જથ્થો દેખાતો નથી, ત્યારે આગામી મહિનાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની આશંકાએ નગરજનોમાં ચિંતા વધારી છે.
છોટાઉદેપુર નગરની અંદાજે 35 હજારની વસતી માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ઓરસંગ નદી છે. નદીના પટમાં આવેલા બે વોટર વર્ક્સ મારફતે નગરમાં પાણી પહોંચાડવામાં આવે છે. જોકે નદીનું જળસ્તર ઘટે અથવા પાણીના સ્ત્રોત સૂકાઈ જાય ત્યારે નગરમાં પાણીની તંગી ઊભી થાય છે. આવી સ્થિતિમાં નગરપાલિકાએ હાફેશ્વર યોજના હેઠળ નર્મદા નદીનું પાણી ખરીદવું પડે છે.
દર વર્ષે સર્જાતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઓરસંગ નદીમાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. હેતુ એવો હતો કે ચોમાસામાં નદીમાં આવતું વરસાદી પાણી રોકી શકાય અને ઉનાળા સુધી તેનો ઉપયોગ પીવાના પાણી માટે થઈ શકે. પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ ચેકડેમના દરવાજા સમયસર લગાવવામાં આવ્યા નહીં અને વરસાદી પાણી નદીમાંથી આગળ વહી ગયું.
હવે ચોમાસું પૂર્ણ થવાના આરે છે અને પાછોતરો વરસાદ થવાની શક્યતા પણ ઓછી જણાઈ રહી છે. નગરજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે પાણી રોકવાનો સમય હતો ત્યારે દરવાજા કેમ લગાવવામાં આવ્યા નહીં? કેટલાક લોકો તો ચેકડેમના આશરે 50 દરવાજા ક્યાં છે તે અંગે પણ સવાલ કરી રહ્યા છે. અગાઉ ત્રણ દરવાજા ચોરાયા હોવાની ઘટના સામે આવી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નદીમાં ગેરકાયદે રેતી ખનન સાથે જોડાયેલા તત્વોને પાણીનો સંગ્રહ થાય તે અનુકૂળ ન હોઈ શકે. નદીમાં પાણી ભરાયેલું રહે તો રેતી ખનન થઈ શકે નહીં, તેથી સમગ્ર મામલામાં તપાસ કરવાની માંગ પણ ઊઠી રહી છે. જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે આગામી 15 દિવસમાં ચેકડેમના દરવાજા લગાવી દેવામાં આવશે. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ આસપાસ બહારથી પાણી ખરીદવાની જરૂર પડતી હોય છે, પરંતુ હાલની સ્થિતિને જોતા આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં જ પાણી ખરીદવાનો વારો આવી શકે તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
