<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ગેટ્સ ફાઉન્ડેશન અને ટાટા IHF ડેલીગેશને ડ્રોન-ટેક સ્ટાર્ટઅપ 'પ્રાઇમ યુએવી'નું AI/ML આધારિત મચ્છરજન્ય રોગચાળા નિયંત્રણ મોડલ નિહાળ્યું

દુર્ગમ વિસ્તારોમાં AI/ML આધારિત ડ્રોનથી મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની શોધ: ગુજરાતના સ્ટાર્ટઅપે વિકસાવી અદ્યતન ટેકનોલોજી

ગાંધીનગર :ભારતમાં મચ્છર અને વેક્ટર-બોર્ન રોગચાળાના નિયંત્રણ માટે અદ્યતન ઉપાયો શોધવાના હેતુથી યોજાયેલા ખાસ કાર્યક્રમ અંતર્ગત બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (USA) અને ટાટા આઈએચએફ (IHF - Tata Trusts) ના ૧૭ સભ્યોના વૈશ્વિક પ્રતિનિધિમંડળે ગુજરાત સ્થિત ડ્રોન-ટેક સ્ટાર્ટઅપ પ્રાઇમ યુએવી પ્રાઇવેટ લિમિટેડ (Prime UAV Pvt. Ltd.) ના AI/ML આધારિત મચ્છરજન્ય રોગચાળા નિયંત્રણ મોડલને નિહાળ્યું હતું.

જાહેર આરોગ્ય ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી વિકસાવનાર પ્રાઇમ યુએવી દ્વારા ડ્રોન ઇન્ટેલિજન્સ મારફતે 'એડવાન્સ લાર્વલ સોર્સ મેનેજમેન્ટ' (Advance LSM through Drone Intelligence) જેવી ચાર મહત્વપૂર્ણ તકનીકો તૈયાર કરાઈ છે. આ AI/ML આધારિત ડ્રોન સામાન્ય રીતે પહોંચી ન શકાતા દુર્ગમ વિસ્તારોમાં છુપાયેલા મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો શોધી કાઢે છે અને ગ્રાઉન્ડ ટીમને તુરંત માહિતી પૂરી પાડે છે, જેનો મોટો ફાયદો જાહેર આરોગ્ય ક્ષેત્રે થઈ રહ્યો છે.

મલેરિયા, ફાઈલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગચાળાના નિયંત્રણ માટે ગુજરાત સરકારના સરકારી તંત્ર સાથે મળીને ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, આણંદ અને મહેસાણા જિલ્લામાં પ્રાઇમ યુએવી દ્વારા આ ટેકનોલોજી આધારિત મોડેલ પ્રાયોગિક ધોરણે અમલી બનાવી સફળતાપૂર્વક સેવાઓ પૂરી પાડવામાં આવી છે

આ સફળ ઇનોવેશન અને ગ્રાઉન્ડ લેવલના અમલીકરણની નોંધ લઈને ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાયેલી સંયુક્ત બેઠકમાં કેન્દ્ર (ICMR) અને ગુજરાત સરકારના ૯ ઉચ્ચ અધિકારીઓ, વિષય નિષ્ણાતો, પ્રાઇમ યુએવી, ગેટ્સ ફાઉન્ડેશન તેમજ ટાટા ટ્રસ્ટના પ્રતિનિધિઓ વચ્ચે ટેકનોલોજીકલ પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.

આ અંગે માહિતી આપતા પ્રાઈમ યુએવી પ્રા. લિ. ના સીઈઓ પ્રદિપ પટેલ અને સીટીઓ હિતેન પટેલે જણાવ્યું હતું કે, આ પ્રતિનિધિમંડળ તેમની ટેકનોલોજી અને સરકારી અધિકારીઓ સાથેના વાસ્તવિક અનુભવોની માહિતી મેળવી રહ્યું છે, જેથી ગુજરાતના આ સફળ મોડેલને વિશ્વના અન્ય દેશોમાં પણ લાગુ કરી શકાય. જાહેર આરોગ્ય ક્ષેત્રે મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે 'પ્રાઇમ યુએવી' ની આ એક નોંધપાત્ર ટેકનિકલ સિદ્ધિ છે.

(7:40 PM IST)