<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ‘ગૌ-માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન’ કાર્યક્રમ: મુખ્યમંત્રીની હાજરીમાં મહિલાઓને 73 ગીર ગાયો અર્પણ

મહિલાઓના સશક્તિકરણ માટે 73 ગીર ગાયો અર્પણ કરવાની પહેલ:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, પશુ સારવાર, વીમા અને આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે રાજ્ય સરકારની કામગીરી અંગે માહિતી આપી.

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘ગૌ-માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી સશક્તિકરણ અને મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બાબુભાઈ જમનાદાસ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન PM મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે 73 લાભાર્થી માતા-બહેનોને 73 ગીર ગાયો અર્પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગાયને માતા અને કામધેનુ તરીકે માનવામાં આવે છે અને તે ખેડૂતો માટે મહત્વની સહાયક છે. મહિલાઓને પશુપાલન સાથે જોડીને તેમને આર્થિક આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું.

 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસેવા અને રાષ્ટ્રહિત માટેની સાધનાને આગામી 7 ઓક્ટોબરે 25 વર્ષ પૂર્ણ થશે. તેમણે કહ્યું કે જન્મદિવસની પૂર્વસંધ્યાએ ગૌદાન સેવાના કાર્યથી ઉજવણીની શરૂઆત થઈ છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવું વડાપ્રધાનના સંકલ્પનો મહત્વનો ભાગ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.

 

 

મુખ્યમંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને આ પ્રકારની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પોતાના નિવાસસ્થાને ‘દીપ જ્યોતિ’ નામની ગાયને પરિવારના નવા સભ્ય તરીકે સ્વીકારી હોવાનું પણ તેમણે સંબોધનમાં જણાવ્યું.

(9:05 PM IST)