હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GCAS પોર્ટલ વિવાદ વધુ વકર્યો: અમદાવાદમાં ABVPના કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે ઓફિસનો દરવાજો તોડી નાખ્યો
કોમન એડમિશન પોર્ટલમાં ટેકનિકલ ખામી અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મુદ્દે ABVPએ GCAS ઓફિસે પહોંચી કરી સૂત્રોચ્ચાર, પોલીસ બંદોબસ્ત વચ્ચે હોબાળો

અમદાવાદ તા.૨૦ : GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલને લઈને ચાલી રહેલો વિવાદ આજે 20 મેના રોજ વધુ વકર્યો હતો. અમદાવાદમાં ABVPના કાર્યકર્તાઓએ પોર્ટલમાં ટેકનિકલ ખામી અને પ્રવેશ પ્રક્રિયામાં થતી ગેરરીતિના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ GCAS ઓફિસનો દરવાજો તોડી નાખતા ભારે હોબાળો મચ્યો હતો.
મળતી વિગતો મુજબ, રાજ્યભરના કોલેજ પ્રવેશ માટે શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં છેલ્લા કેટલાક દિવસથી ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ અપલોડ અને ચોઈસ ફિલિંગમાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને ગેરરીતિના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
આ મુદ્દે આજે ABVPના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમદાવાદ સ્થિત GCAS ઓફિસે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓએ પોર્ટલની ખામીઓ તાત્કાલિક દૂર કરવા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા કાર્યકર્તાઓએ ઓફિસનો દરવાજો તોડી નાખ્યો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ABVPના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે GCAS પોર્ટલના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. પોર્ટલમાં સર્વર ડાઉન, ડેટા એરર અને ધીમી પ્રોસેસના કારણે વિદ્યાર્થીઓ સમયસર ફોર્મ ભરી શકતા નથી.
ABVPની માંગ
ABVPએ માંગ કરી છે કે GCAS પોર્ટલની તમામ ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે, પ્રવેશ પ્રક્રિયાની મુદત લંબાવવામાં આવે અને વિદ્યાર્થીઓને થયેલી હાલાકી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પોલીસે હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને GCAS ઓફિસ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
