<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભારતીય જ્ઞાન પ્રણાલી દ્વારા બાળકોમાં મૂલ્યશિક્ષણ અને સદગુણોના વિકાસ માટે GCERT ની રાજ્યવ્યાપી પહેલ : વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરી અમલીકરણ કરાશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની પ્રવૃત્તિઓ માટે દરેક જિલ્લો પોતાના ઐતિહાસિક વારસા, લોકસાહિત્ય, લોકકલા અને મહાનુભાવો પર આધારિત સાહિત્ય તૈયાર કરશે : શૈક્ષણિક નિયામક ડૉ. અવનીબા મોરીના માર્ગદર્શન હેઠળ આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) દ્વારા બાળકોમાં મૂલ્યશિક્ષણની સમજ કેળવાય, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જાગે તેમજ સદગુણો અને જીવનમૂલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા એક વિશેષ રાજ્યવ્યાપી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન મારફતે બાળકોમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરીને મૂલ્યનિષ્ઠ અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે માટે પૂરક સામગ્રી:
શાળાઓમાં યોજાતા આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની વિવિધ પ્રવૃત્તિઓ માટે પૂરક શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓના માધ્યમથી ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યો સાથે જોડવાની તક મળે તે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પહેલ અંતર્ગત રાજ્યના દરેક જિલ્લાએ પોતાના ઐતિહાસિક વારસા, સંસ્કૃતિ, લોકસાહિત્ય, લોકકલા, મહાનુભાવો, પરંપરાઓ અને સ્થાનિક જ્ઞાનને આવરી લેતું પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવાનું રહેશે. શિક્ષકો અને વિષય નિષ્ણાતોના સહયોગથી વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં આ સાહિત્ય તૈયાર કરીને તેનું અમલીકરણ કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.

તમામ DIET ખાતે જિલ્લા નોડલ ઓફિસરની નિમણૂક:
આ સમગ્ર કામગીરી અંગે તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ GCERT દ્વારા પરિપત્ર જારી કરીને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (DIET) ને વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી છે. કામગીરીના સુચારુ આયોજન અને અમલીકરણ માટે દરેક DIET ખાતે એક અધ્યાપકને જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર અભિયાન GCERT, ગાંધીનગરના શૈક્ષણિક નિયામક ડૉ. અવનીબા મોરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્ટેટ નોડલ ઓફિસર તરીકે ગાંધીનગરના પુલકિતભાઈ જોશી (સંપર્ક નંબર: ૯૯૦૯૯૨૧૯૧૧) જવાબદારી સંભાળી રહ્યા છે. આ અભિયાનને સફળ બનાવવા રાજ્યના તમામ શિક્ષકો અને DIET ના અધ્યાપકોને સક્રિય સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

(6:13 PM IST)