તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 17th November 2026
HIV પોઝિટિવ મહિલાઓ માટે GCRIની નવી પહેલ: મહિલાઓની HIVની નિયમિત સારવારમાં HPV DNA-આધારિત સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગનો પણ સમાવેશ : અત્યારસુધીમાં 1,542 HIV પોઝિટિવ મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ દ્વારા સ્ક્રીનિંગ
HIV સાથે જીવતી મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ સૌથી વધુ : FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026 અંતર્ગત આ પહેલને ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ કેટેગરીમાં એવોર્ડ : નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગથી સમયસર સારવાર શક્ય,આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો

ગાંધીનગર તા .૧૭ : અમદાવાદમાં સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા HIV પોઝિટિવ મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક નવીન પહેલ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ આ મહિલાઓની નિયમિત HIV સારવારના ભાગરૂપે HPV DNA આધારિત સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ના સ્ક્રીનિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ART સેન્ટર મારફતે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પહેલને ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ કેટેગરીમાં FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026 પણ એનાયત કરવામાં આવ્યો છે.
HIV સાથે જીવતી મહિલાઓમાં હાઈ-રિસ્ક હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)નું સંક્રમણ લાંબા સમય સુધી રહેવાનું અને તેના કારણે સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને સાંકળવાથી આ સંવેદનશીલ વર્ગની મહિલાઓમાં રોગનું વહેલું નિદાન, સમયસર સારવાર અને આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવવાની તક મળે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આરોગ્યસેવાઓને વધુ સુલભ, સસ્તી અને ગુણવત્તાયુક્ત બનાવવાની સાથે નિવારક આરોગ્યસંભાળ અને રોગોના વહેલાસર નિદાન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તે જ દિશામાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ રાજ્યમાં આધુનિક આરોગ્યસુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યનો આરોગ્ય વિભાગ કેન્સર સહિતના ગંભીર રોગોના વહેલાસર નિદાન અને સંવેદનશીલ વર્ગોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી છે. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે અને પોતાની આ નવીન પહેલ થકી, HIV પોઝિટિવ મહિલાઓના આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે.
GCRIની પહેલની મુખ્ય સિદ્ધિઓ અને પરિણામો
GCRI દ્વારા આ પહેલ માર્ચ 2025માં અમલી કરવામાં આવી હતી. અત્યારસુધીમાં આ પહેલ હેઠળ મેળવેલી સિદ્ધિઓ અને પરિણામો નીચે મુજબ છે:
• HIV સાથે જીવતી 1,542 મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
• 319 મહિલાઓ (20.69%)નો HPV ટેસ્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે 1,223 મહિલાઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો.
• સ્ક્રીનિંગ બાદ વધુ તપાસ અને મૂલ્યાંકન માટે 150 મહિલાઓની કોલ્પોસ્કોપી કરવામાં આવી.
• પ્રિકેન્સરસ સર્વાઇકલ લેસિઓન્સ (CIN) એટલે કે ગર્ભાશયના મુખ પર કેન્સર પૂર્વેની સ્થિતિ ધરાવતા 94 કિસ્સાઓ મળી આવ્યા, જેમાં CIN 1 ના 63 કિસ્સા, CIN 2 ના 30 કિસ્સા અને CIN 3 નો 1 કિસ્સો સામેલ છે.
• સર્વાઇકલ કેન્સરનો પ્રારંભિક તબક્કાનો 1 કેસ પણ ઓળખી કાઢવામાં આવ્યો, જેના પરિણામે સમયસર તબીબી હસ્તક્ષેપ અને સારવાર શક્ય બની.
મહિલાઓના આ સમૂહમાં HPV પોઝિટિવિટીનો દર 20.69% નોંધાયો હતો, જે ગુજરાતની શહેરી સામાન્ય વસ્તીમાં નોંધાયેલા 4.82% અને ગ્રામ્ય સામાન્ય વસ્તીમાં નોંધાયેલા 5.22% દર કરતાં નોંધપાત્ર રીતે ઊંચો છે. આ આંકડા દર્શાવે છે કે, HIV સાથે જીવતી મહિલાઓ માટે આવું લક્ષિત સ્ક્રીનિંગ કેટલું મહત્વપૂર્ણ છે.
GCRIની પહેલને મળ્યો FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026
આ પહેલને ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ (દર્દીની સંભાળ અને સેવા પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા) કેટેગરીમાં ‘FICCI હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ 2026’ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ નિયમિત HIV સારવાર સાથે કેન્સર નિવારણ અને વહેલાસર નિદાનને સાંકળી લઇને દર્દી-કેન્દ્રિત આરોગ્યસંભાળને વધુ મજબૂત બનાવવા માટે GCRI દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવે છે.
*ગુજરાતના અન્ય ART કેન્દ્રોમાં પણ આ પહેલનું વિસ્તરણ*
GCRI આ સંકલિત મોડેલને વધુ મજબૂત બનાવવા તેમજ તેની વ્યવહારિક શક્યતાઓ અને ઉપલબ્ધ સંસાધનોને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં અન્ય ART કેન્દ્રોમાં પણ તેનો વિસ્તાર કરવાની દિશામાં પ્રયાસો કરશે. આ અભિગમથી સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની સુલભતામાં વધારો થશે, તેના નિદાનમાં થતો વિલંબ ઘટશે, તેમજ HIV સાથે જીવતી મહિલાઓને કેન્સરની સમાન સંભાળ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
આ પહેલ નિવારક આરોગ્યસંભાળ, કેન્સરનું વહેલાસર નિદાન અને સંવેદનશીલ વર્ગોના આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવવા પ્રત્યે ગુજરાત સરકાર અને GCRIની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
