News of Wednesday, 25th November 2026
બાવન ગોળ જનક્ષત્રિય જણસારી સમાજ ટ્રસ્ટની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન ઉત્સાહભેર યોજાયુ
વડીલ વંદના, તેજસ્વી તારલાઓનું સન્માન, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા યુવા અને મહિલા મંડળની રચના કરવામાં આવી

ગાંધીનગર : બાવન ગોળ જનક્ષત્રિય જણસારી સમાજ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે સમાજની સામાન્ય સભા અને સ્નેહ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના સભ્યો, વડીલો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, દાતાઓ તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજની એકતા, સંગઠનશક્તિ, શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને સામાજિક ઉત્થાનની ભાવના જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન વડીલ વંદના અને ઇનામ વિતરણ સમારોહ સહિત વિવિધ સન્માન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનને બિરદાવવાના હેતુથી વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક તેમજ અન્ય રીતે સહયોગ આપનાર દાતાઓ, સમાજના નિવૃત્ત કર્મચારીઓ તથા ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પણ સન્માન કરી તેમના યોગદાનની સરાહના કરવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે તેવા ઉમદા હેતુથી ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમની મહેનત, પ્રતિભા અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજના બાળકો અને યુવાનોને શિક્ષણના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
સામાન્ય સભા દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ, સંગઠનને વધુ મજબૂત બનાવવા, સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપવા તથા ભવિષ્યમાં હાથ ધરાનારી વિવિધ કામગીરી અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમાજના હિત અને વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ ઠરાવો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જે સભ્યોની ચર્ચા-વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ સંમેલનની એક વિશેષ ઉપલબ્ધિરૂપે સમાજના યુવાનોને સંગઠિત કરી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યુવા મંડળની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજની મહિલાઓને સંગઠિત કરી તેમની પ્રતિભા, સામાજિક યોગદાન અને સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવા મહિલા મંડળની પણ રચના કરવામાં આવી હતી. આ બંને મંડળો સમાજની સામાજિક, શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓને નવી દિશા અને નવી ઊર્જા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, નવી પેઢીને સમાજની પ્રવૃત્તિઓ સાથે જોડવા તથા શિક્ષણ અને સામાજિક વિકાસને પ્રાધાન્ય આપવાના સંકલ્પ સાથે યોજાયેલું આ સ્નેહ સંમેલન સમાજના સભ્યો માટે પરસ્પર હૂંફ, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ સુદૃઢ બનાવનારું બની રહ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે સમાજના પ્રમુખ શ્રી દિનેશ ચૌહાણ, મંત્રી શ્રી સંજય જણસારી, સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને સંસ્કાર યુવા ગ્રૃપના યુવાનો દ્વારા આયોજન, વ્યવસ્થા અને સંકલન માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમના સહિયારા પ્રયાસો અને સમાજના સભ્યોના ઉત્સાહભર્યા સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ પ્રસંગે સમાજના તમામ સભાસદો, અન્ય પરગણામાંથી આમંત્રિત મહેમાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં સમાજના કન્વીનર ર્ડા. જીજ્ઞેશ જણસારી દ્વારા આભારવિધિ કરતાં સમાજના સર્વાંગી વિકાસ, એકતા, શિક્ષણ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ઉપસ્થિત સૌએ સમાજની પ્રગતિમાં યથાશક્તિ યોગદાન આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
