News of Saturday, 5th September 2026
અમદાવાદના રામોલમાં પાલતુ શ્વાનનો આતંક: જર્મન શેફર્ડે પાડોશી મહિલા પર હુમલો કરી ગંભીર બચકાં ભર્યા, માલિક સામે ગુનો નોંધાયો
ઘર પાસે ઉભેલી મહિલા પર અચાનક તૂટી પડ્યો પાલતુ કુતરો; સ્થાનિકોમાં અરેરાટી સાથે રખડતા અને હિંસક પાલતુ પ્રાણીઓ સામે રોષ

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પાલતુ પ્રાણીની બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતા એક રહીશના પાલતુ જર્મન શેફર્ડ નામના હિંસક શ્વાને પાડોશમાં રહેતી મહિલા પર અચાનક હુમલો કરી શરીરના ભાગો પર ગંભીર બચકાં ભરી લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, પીડિત મહિલા પોતાના ઘર નજીક ઉભી હતી તે સમયે પાડોશીનો પાલતુ જર્મન શેફર્ડ શ્વાન અચાનક દોડી આવ્યો હતો અને મહિલા પર તૂટી પડ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામેહનતે શ્વાનને દૂર કરી મહિલાનો છુટકારો કરાવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પાલતુ શ્વાનને જાહેરમાં બેદરકારીપૂર્વક ખુલ્લો છોડી દેવા બદલ અને સુરક્ષાના યોગ્ય પગલાં ન રાખવા બદલ પીડિત પક્ષ દ્વારા રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્વાનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરુ કરી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
