તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
અમદાવાદમાં ઘરઘાટીનું ફિલ્મી કાવતરું: માલિકના ઘરમાં જ મિત્રો સાથે મળીને રચ્યું લૂંટનું નાટક, મોઢે પટ્ટી બાંધી ખુદને જ બનાવ્યો બંદી પણ ડ્રાઈવરની સતર્કતાએ ખોલી નાખી પોલ!
પંચવટી વિસ્તારના પોશ બંગલામાં ૩૬ તોલા સોનાની ચોરીનો માસ્ટર પ્લાન નિષ્ફળ; દિલ્હીથી બોલાવેલા સાગરીતો અને માસ્ટર માઈન્ડ નોકર સહિત ૩ શખ્સો જેલના સળિયા પાછળ, પોલીસે ફરીદાબાદથી જપ્ત કર્યો મુદ્દામાલ

અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પંચવટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ઘરઘાટીએ તેના જ માલિકના ઘરમાં ચોરી કરવા માટે કોઈ બોલિવૂડ મૂવી જેવો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ પોતે નિર્દોષ દેખાય તે માટે ખુદને જ બંદી બનાવી ડ્રામા રચ્યો હતો, પરંતુ મકાન માલિકના પિતા અને ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે આ ફિલ્મી કાવતરાનો ભાંડો ફૂટી ગયો છે.
પોતે જ બંદી બનવાનું કર્યું નાટક
પંચવટીના સેકન્ડ એવન્યુ ખાતે રહેતા એક પરિવારના ઘરમાં શંકર પ્રસાદ નામનો ઘરઘાટી કામ કરતો હતો. તેણે આર્થિક લાભ મેળવવા દિલ્હીથી પોતાના બે મિત્રો આકાશ ઠાકુર અને અયાઝ ખાનને અમદાવાદ બોલાવ્યા હતા. જ્યારે પરિવાર બહાર ગયો ત્યારે શંકરે બંને મિત્રોને અંદર પ્રવેશ આપ્યો અને પોતે લૂંટનો શિકાર બન્યો હોય તેવું દર્શાવવા માટે પોતાના મોઢા પર ટેપ મારી પોતાની જાતને બંદી બનાવી દીધી હતી.
આ રીતે ફૂટ્યો ભાંડો
બરાબર ચોરીના સમયે જ ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમનો ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી તેમને શંકા ગઈ અને તપાસ કરતા અંદર બે અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા. જગદીશભાઈ અને ડ્રાઈવરે હિંમત બતાવી એક આરોપી આકાશને ઝડપી લીધો, જ્યારે અયાઝ ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં શંકરે નાટક ચાલુ રાખ્યું હતું, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.
૩૬ તોલા દાગીના ફરીદાબાદથી રિકવર
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે શંકર છેલ્લા દોઢ વર્ષથી અહીં કામ કરતો હતો અને તેણે અગાઉ જ ૩૬ તોલા સોનાના દાગીના પાર્સલ કરીને ફરીદાબાદ પોતાના મિત્રને મોકલી દીધા હતા. પોલીસને કુરિયરની ચિઠ્ઠી મળી આવતા ફરીદાબાદથી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લૂંટની કલમ ઉમેરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ ઘરઘાટીને રાખતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન અવશ્ય કરાવવું.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
