તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરને રૂ.૭૩૮.૦૯ કરોડના ૭૯ વિકાસકાર્યોની ભેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક કલેક્ટર કચેરીનું લોકાર્પણ
વિકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ અને છેવાડાના માનવીની સુખાકારી રાજ્ય સરકારની પ્રાથમિકતા : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં રૂ.૬૫૦ કરોડના બ્રિજ સહિતના વિવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને રૂ.૭૩૮.૦૯ કરોડના ખર્ચે આકાર પામનારા ૭૯ જેટલા વિકાસકાર્યોની ભેટ આપી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું, જેમાં રૂ.૩૩ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી નવી આધુનિક કલેક્ટર કચેરીનું લોકાર્પણ પણ સામેલ છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિને નવી દિશા આપી છે. છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા સરકાર સતત કાર્યરત છે. ભાવનગરના નાગરિકોના સ્વચ્છતાના સંસ્કારોને બિરદાવતા તેમણે ‘કેચ ધ રેઇન’ અને ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનોમાં જનભાગીદારી વધારી પર્યાવરણ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ભાવનગર માટે ગેમ ચેન્જર સાબિત થશે. યુવાનો માટે SIPPA કેન્દ્ર અને IT ક્ષેત્રે રોજગારી માટે નારી ખાતે STPI જમીન ફાળવણી મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ૧૦ હજારથી વધુ લોકોના એસેસમેન્ટ અને નિઃશુલ્ક સાધનોના વિતરણનો ઉલ્લેખ કર્યો હતો.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગરની કનેક્ટિવિટીને સુદૃઢ બનાવવા રૂ.૬૫૦ કરોડના બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે, જેનાથી રાજકોટ, સોમનાથ અને ધોલેરા તરફની અવરજવર સરળ બનશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૬૨૧.૬૩ કરોડના ૩૦ કામો, માર્ગ-મકાન વિભાગના રૂ.૧૩.૧૯ કરોડના ૧ કામ, પંચાયત માર્ગ-મકાન વિભાગના રૂ.૫૭.૦૩ કરોડના ૪૬ કામો અને નગરપાલિકાઓના રૂ.૧૩.૨૪ કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત વયોશ્રી યોજનાના ૫ લાભાર્થીઓને કિટ વિતરણ, ૧૩ સફાઈ કર્મચારીઓનું સન્માન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૫ લાભાર્થીઓને ઘરની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્યો સર્વશ્રીમતી સેજલબેન પંડ્યા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા, મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના, કલેક્ટર ડૉ. મનીષ બંસલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
