<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ: બીજા દિવસે ૮ હજારથી વધુ ગામો અને ૧૧ હજારથી વધુ શાળાઓ બન્યાં શિક્ષણ ઉત્સવના સાક્ષી

બે દિવસમાં કુલ ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળાના આંગણે મૂક્યું જ્ઞાનનું પ્રથમ પગથિયું

ગાંધીનગર :‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ના બીજા દિવસે એટલે કે તા. ૨૪ જૂનના રોજ રાજ્યભરમાં કુલ ૮,૧૭૩ ગામો અને ૧૧,૯૮૭ શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના સ્વાગત માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ ૨૯,૬૮૨ મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આમ, છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં કુલ ૧૭,૩૩૮ ગામો, ૬૦,૧૮૪ મહાનુભાવો અને ૨૪,૭૧૬ શાળાઓ આવરી લઈને કુલ ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું છે.  
ગુજરાતમાં સાક્ષરતાનો દર વધારવા અને રાજ્યના દરેક બાળકનું ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ની ૨૪મી કડીનો ગત રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત કરવામાં આવી, જ્યાં દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું.
શિક્ષણના આ મહાપર્વ દરમિયાન નવી પેઢીના લાખો બાળકોએ શાળામાં પ્રવેશ મેળવી રેકોર્ડબ્રેક નામાંકન નોંધાવ્યું છે. આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં ૬૨ હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ ૧,૩૯,૯૨૫ પ્રવેશપાત્ર બાળકો સામે કુલ ૧.૪૦ લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે. આ ઉપરાંત ધોરણ-૧માં ૩૪ હજારથી વધુ, ધોરણ-૯માં ૧,૯૬,૭૫૫ તેમજ ધોરણ-૧૧માં ૧,૦૧,૭૫૯ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો હતો.
તદુપરાંત આજે રાજ્યના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા તેમજ ખાસ કરીને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૮૪૭ જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની ૫,૬૬૪ જેટલી પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે. આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. ૯.૧૯ કરોડની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી. તેમાં રૂ. ૧.૨૪ કરોડ રોકડ સ્વરૂપે તેમજ રૂ. ૭.૯૫ કરોડના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો માટે શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં યોજાયેલા ‘Back to School Survey’ દરમિયાન રાજ્યભરમાંથી હજુ ૨૧,૮૯૨ જેટલા બાળકોનું નામાંકન બાકી છે. શિક્ષણ વિભાગ આગામી દિવસોમાં વિશેષ ઝુંબેશ હાથ ધરીને આ તમામ બાળકોને મુખ્ય શૈક્ષણિક પ્રવાહ સાથે ઝડપથી જોડશે.
‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા, સમાજની સહભાગિતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ગુજરાતના મજબૂત સંકલ્પનું જીવંત પ્રતિક બની રહ્યું છે

(8:20 PM IST)