News of Monday, 25th May 2026
યુવતીએ કિશોરનો કર્યો સોદો શારીરિક સંબંધો બાંધ્યાઃ જન્મદિવસે અંગત ફોટા વાયરલ કર્યા
એક યુવતી દ્વારા ધો. ૧૧ માં ભણતા વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી તેને મોંઘા સ્માર્ટ ફોનની લાલચ આપી શારીરીક સબંધ બાંધી યુવકને બ્લેકમેલ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

મહેસાણા તા.૨૫: મહેસાણા જિલ્લાના કડી પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સમાજને ઝંઝોડી મૂકે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ-૧૧માં અભ્યાસ કરતા એક સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ બાવલુ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ સગીરને બ્લેકમેલ કરી અને ધમકીઓ આપી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, કડી પંથકમાં રહેતો અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીતનો દોર શરૂ કર્યો હતો. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત વધતા યુવતીએ તેને કડીની એક કાફેમાં મળવા માટે બોલાવ્યો હતો. આ પ્રથમ મુલાકાત દરમિયાન જ યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.
સગીર વિદ્યાર્થી હજુ કશું સમજે તે પહેલાં જ તેને પોતાની જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે યુવતીએ તેને એક મોંઘોદાટ આઇફોન ૧૫ મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો. કિમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબૂમાં લઈ લીધો હતો.
સમય વિતવાની સાથે સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેનો અભ્યાસ સંપૂર્ણપણે બગડી રહ્યો છે. વળી, યુવતી તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેણે આ સંબંધમાંથી મુક્ત થવા અને યુવતીથી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતાં યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી.
યુવતીએ તેને ફોન પર ધમકાવવાનું શરૂ કર્યું કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લઈશ અને સ્યુસાઇડ નોટમાં તારું નામ લખી દઈશ.ૅ આટલું જ નહીં, સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો ડર પેદા કર્યો હતો. આ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલિગથી સગીર અત્યંત ગભરાઈ ગયો હતો અને સતત તણાવમાં રહેવા લાગ્યો હતો. એક રાત્રે અચાનક તેને છાતીમાં તીવ્ર દુખાવો અને ગભરામણ ઉપડતાં પરિવારજનોએ તેને તાત્કાલિક કડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં તેને એક દિવસ માટે દાખલ કરવો પડ્યો હતો.
આ સમગ્ર કાળા કરતૂતોનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે તાજેતરમાં જ સગીર વયના આ વિદ્યાર્થીનો ૧૮મો જન્મદિવસ હતો. તે દિવસે યુવતીએ અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરીને એક રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સગીરના પરિવારજનો અને સંબંધીઓને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ગઈ હતી. પરિવારે સગીર પાસેથી સત્ય હકીકત જાણીને તેનો મોબાઈલ પોતાના કબજામાં લીધો હતો.
પોતાના સગીર પુત્રને પ્રેમજાળમાં ફસાવી, બ્લેકમેલ કરી શારીરિક અને માનસિક શોષણ કરનારી આ યુવતી સામે ન્યાય મેળવવા માટે પિતા-પુત્ર બાવલુ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ચોંકાવનારી ઘટના વર્તમાન સમયના તમામ માતા-પિતા અને વાલીઓ માટે એક મોટી ચેતવણી છે. સગીર વયના બાળકો સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે) પર કોના સંપર્કમાં છે, તેમનો સ્માર્ટફોનનો વપરાશ કેવો છે અને તેમના વર્તનમાં કોઈ અચાનક બદલાવ આવ્યો છે કે નહીં, તેના પર સતત નજર રાખવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
