News of Thursday, 17th September 2026
ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ : PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલનથી સુદૃઢ ડેટાબેઝ તૈયાર કરાશે
RAMP યોજના હેઠળ ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા એકમોનું જિયો-ટેગિંગ કરાશે : કામગીરી માટે GIPLની નિમણૂક : MSME કમિશનરેટ દ્વારા સહકાર આપવા અપીલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’ (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં આવેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેપિંગ’ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
GIPL પ્રતિનિધિઓ કરશે જિયો-ટેગિંગ અને માહિતીનું એકત્રીકરણ:
આ પ્રોજેક્ટ હેઠળ ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા તમામ મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL) ને જવાબદારી સોંપાઈ છે. પ્રોજેક્ટના ભાગરૂપે GIPLના અધિકૃત પ્રતિનિધિઓ રૂબરૂ MSME એકમોની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન એકમોનું જિયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી હાથ ધરાશે.
નીતિ ઘડતર અને યોજનાઓના અમલીકરણમાં મળશે મદદ:
GIS આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર થશે. આ ડેટાના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના સુદૃઢ આયોજન, ભવિષ્યના નીતિ ઘડતર અને સરકારી યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં મદદ મળશે.
આ ઉપરાંત, તમામ ડેટા PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા વધુ મજબૂત બનશે. GIS મેપિંગ દ્વારા એકમોના ચોક્કસ સ્થાન અને સંબંધિત વિગતો સરળતાથી ઉપલબ્ધ થતાં MSME ક્ષેત્રને જરૂરિયાત મુજબની સહાય અને સુવિધાઓ ઝડપથી પહોંચાડી શકાશે.
MSME કમિશનરની કચેરીની અપીલ:
રાજ્યના MSME ક્ષેત્રના વિકાસ માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રાજ્યના તમામ સંબંધિત MSME એકમો, ઉદ્યોગકારો અને વિવિધ ઉદ્યોગ સંગઠનોને GIPL તથા તેના અધિકૃત પ્રતિનિધિઓને જરૂરી તમામ માહિતી પૂરી પાડી સંપૂર્ણ સહકાર આપવા MSME કમિશનરની કચેરીની સત્તાવાર યાદીમાં વિનંતી કરવામાં આવી છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
