તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
જેન-ઝી મતદારોની ક્રેઝી ડિમાન્ડ ફ્રી વાઈફાઈ-કેફે સ્પોટ આપો
મતદાતાની આશાનું અવનવું: જૂનાની અધૂરી, નવાની અપાર : ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિકાસ અને પર્યાવરણને લઈ પણ જેન-ઝી ગંભીર

સુરત,તા.૨૭: આ વખતની ચૂંટણીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 'જનરેશન-ઝી' એટલે કે ૧૮ થી ૨૫ વર્ષના યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. પરંપરાગત રાજકારણના જૂના પુરાણા પ્રચારને બદલે આ યુવાનો સોશિયલ મીડિયાના યુગમાં પારદર્શિતા અને ત્વરિત સેવાના આગ્રહી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, પર્યાવરણ, ડુમસ સીફેસ જેવા હરવા-ફરવાના સ્થળોનો વિકાસ હોય કે શહેરના જાહેર સ્થળોએ ફી હાઈ-સ્પીડ વાઈફાઈ અને કેફે સ્પોટ જેવી સુવિધાઓ, જેન-ઝી માટે આ પાયાની જરૂરિયાત સમાન છે. નેતાઓ પાસેથી તેઓ 'રેલી' નહીં પણ સ્પષ્ટ 'રીલ્સ' જેવી સીધી વાત અને જવાબદારીની અપેક્ષા રાખે છે.
રોજગાર અને સ્ટાર્ટઅપ માટે સાનુકૂળ વાતાવરણની માંગ સાથે આ યુવા વોટબેંકની ક્રેઝી ડિમાન્ડ છે, જે કોઈપણ પક્ષના વિજયના સમીકરણો પલટાવવાની ક્ષમતા ધરાવે છે.
સ્ટાર્ટઅપ અને રોજગારની માંગ
ડિડોલીનો અંશ ઠાકુર કહે છે કે, આજની પેઢી સરકારી નોકરીના ભરોસે બેસી રહેવાને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. નેતાઓ પાસે તેઓ એવા રોડમેપની અપેક્ષા રાખે છે જેમાં સ્ટાર્ટઅપને સપોર્ટ, સબસિડી અને સુરતમાં આઈટી હબ જેવી સુવિધાઓ મળે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતની ઓળખ ટેક-સિટી તરીકે બને.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાઈફાઈ
ભટારની મંગલ પાર્ક સોસાયટીમાં રહેતી સુચિ સુરતવાલા જણાવે છે કે, ડિજિટલ ઈન્ડિયાના યુગમાં યુવાનો માટે ઈન્ટરનેટ એ લકઝરી નહીં પણ જરૂરિયાત છે. જાહેર બગીચાઓ, બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને ડુમસ જેવા પર્યટન સ્થળો પર ફ્રી વાઈફાઈની સુવિધાઓ સરળતાથી મળી શકે તે પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ. ટેક્રોલોજી દ્વારા પારદર્શક વહીવટ થવો જોઈએ.
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ
નવાગામનો રવિસિગ રાજપૂત જણાવે છે કે, માત્ર ડિગ્રી આપતી કોલેજો નહીં, પણ ઉદ્યોગોને અનુરૂપ કૌશલ્ય શીખવતા અભ્યાસક્રમો પણ હોવા જોઈએ. આજના યુવાવર્ગ માટે સુરતમાં ઉચ્ચ શિક્ષણ માટે એવી સુવિધાઓ મળે કે જેથી તેમને બીજા શહેરોમાં કે વિદેશ જવાની જરૂર ન પડે.
ઓસ્ટ્રેલિયાથી આવીને વોટિંગ કર્યું
ઓસ્ટ્રેલિયામાં સોશિયલ વર્કનો અભ્યાસ કરતો આર્ય ગોળવાલા રવિવારે યોજાયેલી મનપાની ચૂંટણીમાં વોટિગ કરવા માટે સુરત આવ્યો હતો. વેસુના નિવાસી આર્યએ જણાવ્યું હતું કે, તમામ વર્ગના વિધાર્થીઓને દેશમાં પણ ઉત્તમ કક્ષાનું શિક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ, રાજકીય આગેવાનો દ્વારા દેશહિતમાં કાર્ય કરાય તેવી અપેક્ષા છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
