તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
લોકો શું કહેશે તે વિચારવાને બદલે તમારા સપનાઓ અને લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.: હર્ષભાઈ સંઘવી
ગાંધીનગરની NFSU ખાતે આયોજિત 'નમો યુવા સંવાદ' કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો: તેમણે સ્ટાર્ટઅપ અને કારકિર્દીના ક્ષેત્રમાં આવતા પડકારોને સામનો કરવાની સમજણ આપી

ગાંધીનગરની NFSU ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના યુવા અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનોને હતાશાથી દૂર રહીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત અને અવિરત પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું. સંવાદ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે લોકોની ટીકાઓ થવી સ્વાભાવિક છે. તેમણે યુવાનોને સલાહ આપી હતી કે, લોકો શું કહેશે તે વિચારવાને બદલે તમારા સપનાઓ અને લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. ટીકાઓથી હતાશ થવાને બદલે તેને એક શીખ તરીકે ગણીને આગળ વધવું જોઈએ.
સ્ટાર્ટઅપ કલ્ચર અને નવી પહેલ અંગે તેમણે ખૂબ જ પ્રેરણાદાયી વાત કરી હતી. તેમણે કહ્યું કે, "કોઈપણ સફળ સ્ટાર્ટઅપ કે મોટા બિઝનેસ માટે એક પ્રકારનું રચનાત્મક 'ગાંડપણ' હોવું ખૂબ જરૂરી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમને તમારા લક્ષ્યમાં સફળતા ન મળે ત્યાં સુધી તે કાર્યને વળગી રહો અને તેમાં જીત મેળવવા માટે મક્કમ મનોબળ સાથે આગળ વધો.
પોતાના વક્તવ્યમાં તેમણે આપણા વડવાઓના અનુભવોને ટાંકતા જણાવ્યું હતું કે, "આપણા વડવાઓએ આપણને '1000 દિવસના સંઘર્ષ'નું એક મોડલ આપ્યું છે." આ મોડલનો અર્થ છે કે કોઈપણ મોટી સિદ્ધિ મેળવવા માટે લાંબાગાળાનું આયોજન અને સતત મહેનત જરૂરી છે. તેમણે યુવાનોને ખોટા રસ્તાઓ પર ભટકાવાને બદલે હંમેશા સાચા રસ્તે અને નૈતિક મૂલ્યોને જાળવી રાખીને આગળ વધવાની પ્રેરણા આપી હતી. હર્ષ સંઘવીના આ પ્રેરણાદાયી સંબોધને ઉપસ્થિત તમામ યુવાનોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો, જેનાથી તેઓ પોતાની કારકિર્દી અને જીવનમાં નવી દિશા સાથે આગળ વધી શકે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
