News of Saturday, 19th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦’ને નવો વેગ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : રાજ્યની દરેક આંગણવાડીમાં ફક્ત મહિલા સભ્યો ધરાવતી ‘આંગણવાડી મૅનેજમેન્ટ કમિટી’ રચવાનો ઐતિહાસિક નિર્ણય
૦ થી ૬ વર્ષના બાળકોમાં કુપોષણ અને વિકાસાત્મક વિલંબ ઘટાડવા સહભાગી અભિગમ : દર બે મહિને યોજાનારી સમીક્ષા બેઠકોથી સેવાઓની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦’ના અસરકારક અમલીકરણને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા માટે રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્ર માટે આંગણવાડી વ્યવસ્થાપન સમિતિ (એએમસી) રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી સેવાઓમાં સમુદાયની વ્યાપક ભાગીદારી વધારીને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળપણની સંભાળ તેમજ શિક્ષણ (ઈસીસીઈ)ની ગુણવત્તા સુધારવાનો છે.
કેવળ મહિલાઓ જ સંભાળશે સમિતિનું સુકાન:
બાળ વિકાસ યોજના અધિકારી (સીડીપીઓ) દ્વારા ગઠિત થનારી આ સમિતિના તમામ સભ્યો મહિલાઓ રહેશે. તેમાં સંબંધિત મહિલા સુપરવાઈઝર અધ્યક્ષ તરીકે, આંગણવાડી કાર્યકર સભ્ય-સચિવ તરીકે, તેમજ ૧ આશા કાર્યકર, આંગણવાડીમાં નોંધાયેલા ૩થી ૬ વર્ષના બાળકોની ૨ માતાઓ, સ્થાનિક સ્વસહાય જૂથ (એસએચજી) અથવા એનજીઓ/સીએસઓની ૧ મહિલા સભ્ય અને નજીકની સરકારી પ્રાથમિક શાળાની ૧ મહિલા શિક્ષિકાનો સમાવેશ થશે.
મિશન સક્ષમના લક્ષ્યો અને કામગીરી:
આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ૦થી ૬ વર્ષના બાળકોમાં કુપોષણ અને વિકાસાત્મક વિલંબ ઘટાડી તેમના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. સમિતિ આંગણવાડી ભવન, પીવાનું પાણી, શૌચાલય, ફર્નિચર, ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM), ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની દેખરેખ રાખશે. આ ઉપરાંત THR, HCM અને પૂરક પોષણ આહારના વિતરણ તથા ૦થી ૬ વર્ષના બાળકોના ગ્રોથ મોનિટરિંગ અને કવરેજ પર સીધી નજર રાખશે.
પ્રારંભિક બાળ શિક્ષણ અને પોષણ વાટિકા:
આંગણવાડીઓ માત્ર પોષણનું કેન્દ્ર ન રહેતાં શિક્ષણનો આધાર બને તે માટે ‘આધારશિલા’ મુજબ પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરાશે. જુલાઈ ૨૦૨૬માં બે લાખ આંગણવાડીઓને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની કેન્દ્રની મંજૂરી બાદ ઈસીસીઈ પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મુકાયો છે. આ સિવાય વાલીઓ, સીએસઓ અને કોર્પોરેટ ક્ષેત્રના સહયોગથી પોષણ વાટિકા (ન્યુટ્રી-ગાર્ડન) અને રમકડાં-શિક્ષણ સામગ્રી એકત્ર કરવા માટે જનભાગીદારી પ્રોત્સાહિત કરાશે.
બેઠક પ્રક્રિયા અને પારદર્શિતા:
દર બે મહિને યોજાનારી એએમસીની બેઠકમાં કુલ સાતમાંથી ઓછામાં ઓછા ચાર સભ્યો (અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત)ની હાજરી અનિવાર્ય રહેશે. નિર્ણયો સર્વસંમતિ કે બહુમતીથી લેવાશે. દરેક બેઠકની કાર્યવાહી નોંધાયાના ૭ દિવસમાં સીડીપીઓને રજૂ કરવાની રહેશે, જેઓ વર્ષમાં બે વાર આ કામગીરીની સમીક્ષા કરશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
