<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

રાજપીપળા શહેરના દર્દીઓ માટે હોસ્પિટલ જવું મોંઘુ: નવી સિવિલ અને અર્બન હેલ્થ સેન્ટર છેક દૂર લઈ જતા ગામના દર્દીઓને મુશ્કેલી

૫૦ રૂપિયા આવવા અને ૫૦ રૂપિયા જવા માટે રિક્ષા ભાડું બગાડવું પડતા આર્થિક નુકશાન: હજુ તો નવી સિવિલ જ્યારે જીતનગર જશે ત્યારે શહેરના દર્દીઓને વધુ આર્થિક ફટકો પડશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા સાથે જ તંત્ર જાણે ઓરમાયુ વર્તન કરતી હોય એમ લાગી રહ્યું છે, નવી સિવિલ હોસ્પિટલ દૂર લઇ ગયા બાદ હાલમાં  જૂની સિવિલમાં કાર્યરત અર્બન હેલ્થ સેન્ટર પણ ટેકરા ફળિયા લઈ જતા રાજપીપળા શહેરના દર્દીઓને હવે સારવાર મોંઘી પડશે.
  મળતી વિગતો અનુસાર રાજપીપળા નવી સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી છેક વડિયા જકાતનાકા નજીક ખસેડાઈ છે ત્યારે રાજપીપળાના સ્થાનિક દર્દીઓ એ સારવાર માટે જવા આવવા નુ ૧૦૦ રૂપિયા રિક્ષા ભાડું ખર્ચવું પડે છે, જોકે અત્યાર સુધી જૂની સિવિલ હોસ્પિટલમાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત હતું માટે સ્થાનિક દર્દીઓ શરદી, ખાસી કે વાયરલ ઇન્ફેક્શન જેવી તકલીફ માં અર્બન હેલ્થ સેન્ટર માં સારવાર અર્થે જતા હતા પરંતુ હવે આ સેન્ટર પણ ટેકરા ફળિયા ના નાકે ખસેડાતા ત્યાં જવું આવવું પણ દર્દીઓ ને મોંઘું પડે છે, સરકાર અને સ્થાનિક તંત્ર દર્દીઓના હીત માટે શહેરમાં કોઇ વચગાળાની જગ્યા પર જો અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરે તો સ્થાનિક દર્દીઓને આર્થિક રાહત મળશે.
    આમ તો સરકારે રાજપીપળાથી અંકલેશ્વર જતી ટ્રેન બંધ કરી ત્યારબાદ હવે આરોગ્ય માટેની સેવા પણ શહેર થી દૂર લઇ જતા સરકાર અને સ્થાનિક તંત્ર જાણે રાજપીપળાના લોકો સાથે ઓરમાયુ વર્તન કરતી હોય એમ લાગી રહ્યું છે. હજુ તો નવી સિવિલ હોસ્પિટલ જીતનગર ગામમાં જવાની છે તો ત્યાં સુધી કયા દર્દીઓ લાંબા થશે...? શું શહેરથી દૂર આરોગ્ય સેવા લઈ જઈ તંત્ર ખાનગી હોસ્પિટલ કે દવાખાનાને ફાયદો કરાવવા માંગે છે..? આમપણ નવી સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓ પૈકી ઘણા દર્દીઓ ને વડોદરા જ રિફર કરવામાં આવે છે તેવા સમયે જો તાવ, શરદી, ખાસી જેવી મામૂલી બીમારી માટે રાજપીપળા માં જ કોઇ જાગ્યા શોધી અર્બન હેલ્થ સેન્ટર ત્યાં કાર્યરત કરાઈ તો ગરીબ દર્દીઓ ને આર્થિક નુકશાનના વેઠવું પડે. આમપણ ગરીબ દર્દીઓ રૂપિયા અભાવે મફત સરકારી સારવાર લેતા હોય છે પરંતુ આરોગ્ય સેવા દૂર લઇ જતા મફત સારવાર ભલે મળે છતાં રિક્ષા ભાડું મોંઘુ પડતું હોય જિલ્લા કલેક્ટર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો આશા સેવી રહ્યાં છે

(10:26 PM IST)