<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ધોરણ ૧૨ પાસ યુવાનો માટે કેન્દ્ર સરકારમાં ગોલ્ડન ચાન્સ: SSC CHSL દ્વારા ૨,૫૦૦થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, ગુજરાતીમાં પણ પરીક્ષા આપી શકાશે

LDC, JSA અને DEO જેવા વિવિધ ગ્રુપ 'સી' પદો માટે ૭ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ: રૂ. ૧૯,૯૦૦થી રૂ. ૯૨,૩૦૦ સુધીનું આકર્ષક પગાર ધોરણ

અમદાવાદ : કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સરકારી કચેરીઓમાં કાયમી નોકરી મેળવવાનું સપ્નું સેવતા ધોરણ ૧૨ પાસ ઉમેદવારો માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી (10+2) લેવલ પરીક્ષા (CHSL 2026) માટેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારમાં કુલ ૨,૫૩૬ જેટલી વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાતના યુવાનો માટે સૌથી મોટી અને રાહતની વાત એ છે કે તેઓ આ સ્પર્ધાત્મક પરીક્ષા પોતાની માતૃભાષા ગુજરાતીમાં પણ આપી શકશે.

 

આ ભરતી પ્રક્રિયા દ્વારા મુખ્યત્વે ગ્રુપ 'સી' (Group C) હેઠળ આવતા લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC), જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (JSA) અને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) જેવા મહત્ત્વના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને પદ મુજબ આકર્ષક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. જેમાં LDC અને JSA પદ માટે પે લેવલ-૨ મુજબ રૂ. ૧૯,૯૦૦ થી રૂ. ૬૩,૨૦૦ જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ના પદ માટે પે લેવલ મુજબ રૂ. ૨૫,૫૦૦ થી રૂ. ૯૨,૩૦૦ સુધીનો પગાર આપવામાં આવશે.

 

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આગામી ૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી એસએસસીની નવી સત્તાવાર વેબસાઈટ (ssc.gov.in) પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે અને ૮ ઓક્ટોબર સુધી ફી ભરી શકશે. અરજી માટે માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ પાસ હોવું અનિવાર્ય છે. સામાન્ય અને ઓબીસી વર્ગ માટે અરજી ફી માત્ર રૂ. ૧૦૦ નક્કી કરાઈ છે, જ્યારે મહિલાઓ, SC, ST, દિવ્યાંગ અને માજી સૈનિકોને ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે વન-ટાઈમ રજિસ્ટ્રેશન (OTR) કરવું પડશે અને લાઈવ ફોટોગ્રાફ કેપ્ચર કરવાનો રહેશે. ઉમેદવારોની સુવિધા માટે કમિશને ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1800-309-3063 પણ કાર્યરત કર્યો છે.

(7:02 PM IST)