તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
CCE પરીક્ષા પાસ કરવાનો 'ગોલ્ડન માસ્ટર પ્લાન': GSSSB એ જાહેર કર્યો ૧૫૦ માર્કસનો વિગતવાર સિલેબસ, જાણો કયા પુસ્તકો અપાવશે મેરિટમાં સ્થાન
વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે સચોટ વિશ્લેષણ: પાઠ્યપુસ્તક મંડળ અને NCERT ના સોર્સ વાંચનારા ઉમેદવારો બાજી મારશે

અમદાવાદ : ગુજરાત સરકારમાં ક્લાસ-૩ અધિકારી બનીને દેશસેવા કરવા ઈચ્છતા લાખો ઉમેદવારો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે પ્રાથમિક પરીક્ષાનો (Preliminary Exam) ૧૫૦ માર્કસનો સત્તાવાર અને અત્યંત વિગતવાર સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે ઉમેદવારો આ સ્માર્ટ સિલેબસ મુજબ આયોજનબદ્ધ તૈયારી કરશે, તેમના માટે મેરિટ લિસ્ટમાં સ્થાન પાકું કરવું સરળ બનશે.
ભાષા પ્રભુત્વ: ગુજરાતી અને અંગ્રેજી (કુલ ૩૦ માર્કસ)
પરીક્ષામાં ભાષા પરની પકડ મજબૂત હોવી અનિવાર્ય છે. બંને ભાષાના થઈને કુલ ૩૦ માર્કસના પ્રશ્નો પૂછાશે:
• ગુજરાતી વ્યાકરણ અને ભાષાંતર (૧૫ માર્કસ): આ વિભાગમાં મુખ્યત્વે રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસનો વિગ્રહ, છંદ, અલંકાર, શબ્દસમૂહ માટે એક શબ્દ, જોડણીશુદ્ધિ, ભાષાશુદ્ધિ, સંધિ, સમાનાર્થી-વિરોધાર્થી, વિભક્તિ, ધ્વનિ શ્રેણી, શબ્દકોશનો ક્રમ, વાક્ય પરિવર્તન અને મોટો સ્કોરિંગ પોઈન્ટ ગણાતું ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર પૂછાશે.
• અંગ્રેજી વ્યાકરણ (૧૫ માર્કસ): અંગ્રેજીમાં પાયાના વ્યાકરણ પર ભાર મુકાયો છે, જેમાં ટેન્સીસ (Tenses), વોઇસ (Active-Passive), ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ સ્પીચ, આર્ટિકલ્સ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જન્ક્શન, વર્બ-એડવર્બ, નાઉન-પ્રોનાઉન, જમ્બલ્ડ વર્ડ્સ અને વાક્ય રૂપાંતરણ (Sentence Transformation) સહીત ટ્રાન્સલેશનના પ્રશ્નો પૂછાશે.
ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો: પ્રાચીનથી અર્વાચીન સુધીની સફર
ઇતિહાસના ભાગમાં ભારત અને ગુજરાતના સંદર્ભમાં હડપ્પીય સભ્યતા, વૈદિક ધર્મ, જૈન અને બૌદ્ધ ધર્મ, મૌર્યયુગ, ગુપ્તકાલીન ભારત, હર્ષવર્ધન સમયનો સમાજ, ભારતમાં યુરોપિયનોનું આગમન, ૧૮૫૭નો સંગ્રામ, સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળો તેમજ ૧૯૧૯ થી ૧૯૪૭ સુધીનો સ્વરાજ માટેનો રાષ્ટ્રીય સંઘર્ષ પૂછાશે. જ્યારે વારસામાં હસ્તકલા, લલિતકલા, શિલ્પ અને સ્થાપત્ય, સાહિત્યિક વારસો અને વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રે ભારતનું પ્રદાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે.
ભૂગોળ અને રાજ્યવ્યવસ્થા: વહીવટી સમજ ચકાસાશે
• ભૂગોળ: પૃથ્વીની આંતરિક સંરચના, ભૂકંપ-જ્વાળામુખી, ભૂમિખંડો, મહાસાગરો, આબોહવા, વાતાવરણના ભેજ અને પવન ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન, માનવ વસ્તી, વસાહતો, પરિવહન અને કુદરતી સંસાધનો પૂછાશે.
• રાજ્યવ્યવસ્થા (Constitutional Syllabus): આમાં લોકશાહીના મૂલ્યો, ભારતીય બંધારણનું ઘડતર અને તેની લાક્ષણિકતાઓ, મૂળભૂત હકો-ફરજો, ડીપીએસપી (Directive Principles), કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી તથા ન્યાયતંત્રની સત્તાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (પંચાયતી રાજ), ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી સામેના પડકારોનો સમાવેશ થાય છે.
ઇકોનોમિક્સ અને જનરલ સાયન્સ: પ્રાયોગિક જ્ઞાનની કસોટી
અર્થશાસ્ત્રમાં માંગ-પુરવઠો, નાણું અને ફુગાવો, બજેટ (અંદાજપત્ર), બેન્કિંગ અને નાણાકીય નીતિ, ગરીબી, બેરોજગારી અને વિદેશ વ્યાપાર જેવા લાઈવ ટોપિક્સ રહેશે. જ્યારે વિજ્ઞાનમાં ધોરણ ૮ થી ૧૦ કક્ષાનું વિજ્ઞાન એટલે કે પરમાણુનું બંધારણ, ગતિ અને બળના નિયમો, ગુરુત્વાકર્ષણ, પ્રકાશનું પરાવર્તન, વિદ્યુત પ્રવાહ, એસિડ-બેઇઝ-ક્ષાર, ધાતુ-અધાતુ અને સજીવનો પાયાનો એકમ (પેશીઓ અને જૈવિક ક્રિયાઓ) પૂછાશે.
મેથ્સ અને રિઝનિંગ: મેરિટ બનાવનારો એક્કો
આ વિભાગ સૌથી વધુ સમય માંગી લેનારો અને રોકડા માર્કસ અપાવનારો છે:
• ગણિત (Maths): સંખ્યા પદ્ધતિ, લસાઅ-ગુસાઅ, ટકાવારી, ભાગીદારી, નફો-ખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર-પ્રમાણ, સમય-કાર્ય-વેતન, સમય-ઝડપ-અંતર, મધ્યક-મધ્યસ્થ-બહુલક, ઘાત-ઘાતાંક, સમીકરણો, ક્ષેત્રફળ અને ઘનફળ તેમજ ત્રિકોણમિતિ.
• રિઝનિંગ (Reasoning): કોડિંગ-ડિકોડિંગ, બ્લડ રિલેશન (લોહીના સંબંધો), ઉંમર-ઊંચાઈના પ્રશ્નો, દિશા જ્ઞાન, ઘડિયાળ-કેલેન્ડર, વેન આકૃતિ, ક્રમ કસોટી, સંભાવના (Probability) અને ડેટા ઇન્ટરપ્રિટેશન (DI).
સફળતાની ચાવી: કયા સોર્સમાંથી વાંચવું?
મોટાભાગે ઉમેદવારો મોંઘીદાટ પ્રાઈવેટ બુક્સ પાછળ દોડતા હોય છે, પરંતુ આ વખતે GSSSB એ સિલેબસની સાથે જ સત્તાવાર વાંચન સામગ્રીનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને મોટો ખુલાસો કર્યો છે. મંડળના જણાવ્યા મુજબ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને બંધારણ જેવા તમામ વિષયો માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ (GCERT) ના પુસ્તકો અને NCERT ના પ્રમાણિત પુસ્તકો જ શ્રેષ્ઠ સોર્સ રહેશે. આ સરકારી પુસ્તકોનું લાઈન-ટુ-લાઈન વિશ્લેષણ કરનાર ઉમેદવાર મેરિટમાં ટોચનું સ્થાન મેળવશે તેમાં કોઈ શંકા નથી.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
