<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

શાસનતંત્ર અને નાગરિકોની સામૂહિક જવાબદારી અને સહભાગિતાથી જ સુશાસન શક્ય બને છે :ડૉ. રામાધર સિંઘ

સુશાસન અને નૈતિક નેતૃત્વના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ સ્પીપા ખાતે ‘અટલ વ્યાખ્યાન શ્રેણી’નું બીજું સત્ર યોજાયું: વર્તણૂંક વિજ્ઞાન અને જાહેર નીતિના આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડૉ. રામાધર સિંઘનું નૈતિક નેતૃત્વને પ્રેરણા આપતું વ્યાખ્યાન

ગાંધીનગર :રાજ્યના વહીવટી તંત્રમાં સુશાસન, નૈતિક નેતૃત્વ, જવાબદાર નાગરિકતા અને જાહેર નીતિ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  સામાન્ય વહીવટ વિભાગ (વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ) તથા SPIPA, અમદાવાદ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આયોજિત 'અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી'ના બીજા સત્રમાં વિશ્વવિખ્યાત સામાજિક મનોવૈજ્ઞાનિક, વર્તણૂક વિજ્ઞાનના અગ્રણી સંશોધક તથા જાહેર નીતિના વિશેષજ્ઞ ડૉ. રામાધર સિંઘનું મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. રામાધર સિંઘ “Perpetual Responsibility Underlies Mature Citizenship” (પરિપક્વ નાગરિકતાનો આધાર સતત જવાબદારીની ભાવના છે) વિષય પર પોતાના વ્યાખ્યાનમાં જવાબદાર નાગરિકતા અને સુશાસન વચ્ચેના પરસ્પર સંબંધની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહી માત્ર ચૂંટણી પ્રક્રિયા સુધી મર્યાદિત નથી, પરંતુ નાગરિકોની સતત જવાબદારી, સામાજિક પ્રતિબદ્ધતા અને જાહેર હિત માટેની સક્રિય ભાગીદારી પર તેનું સફળ સંચાલન નિર્ભર રહે છે.
વ્યાખ્યાન દરમિયાન ડૉ. રામાધર સિંઘે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના જીવનમૂલ્યો, સુશાસન પ્રત્યેની તેમની દ્રષ્ટિ અને રાષ્ટ્રનિર્માણ માટેના તેમના યોગદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સારા શાસનની સ્થાપના માટે નાગરિકો અને શાસનતંત્ર બંનેમાં જવાબદારીની ભાવના અનિવાર્ય છે, જે આજના સમયમાં પણ એટલી જ માર્ગદર્શક છે.
પોતાના સંબોધનમાં તેમણે ભારતીય સંસ્કૃતિ સહિત મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર અને પ્રેમચંદ જેવા મહાન વિચારકોના ઉદાહરણો ટાંકીને સમજાવ્યું કે, વ્યક્તિના વિચારો, મૂલ્યો અને વર્તન સમાજના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જવાબદાર નાગરિકતા માત્ર અધિકારોની માંગણી સુધી સીમિત નથી, પરંતુ ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
 સુશાસન માત્ર સરકારના પ્રયાસોથી પ્રાપ્ત થઈ શકતું નથી; તે માટે નાગરિકોની સહભાગિતા, સામૂહિક જવાબદારી, સામાજિક જવાબદેહી અને નાગરિક સતર્કતા પર ભાર મૂકતા ડૉ. સિંઘે જણાવ્યું કે સ્વચ્છતા, જાહેર સંપત્તિનું સંરક્ષણ, કાયદાનું પાલન અને સામાજિક શિસ્ત જેવા વિષયો આ આખી પ્રક્રિયાના મુખ્ય સ્તંભ છે.
માનવ વર્તન અને સામાજિક પ્રભાવ અંગેના પોતાના આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનોનો હવાલો આપતા તેમણે ઉમેર્યું કે, સમાજમાં વ્યક્તિઓ ઘણી વખત અન્ય લોકોના વર્તનથી પ્રભાવિત થતી હોય છે. તેથી સકારાત્મક મૂલ્યો, નૈતિક વર્તન અને જવાબદારીપૂર્ણ આચરણને પ્રોત્સાહન આપવું જરૂરી છે, જેથી તે સામાજિક ધોરણ બને અને સમાજમાં ગુણાત્મક પરિવર્તન આવી શકે. લોકશાહીમાં નાગરિકો, જાહેર સંસ્થાઓ અને સરકાર વચ્ચે જવાબદારીનું મજબૂત સંતુલન હોવું અનિવાર્ય છે.
ટેક્નોલોજી, ડિજિટલ ગવર્નન્સ અને નાગરિક કેન્દ્રિત વહીવટના સંદર્ભમાં વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજી વિકાસનું મહત્વપૂર્ણ સાધન છે, પરંતુ તેના સફળ અમલીકરણ માટે પારદર્શિતા, સરળતા અને માનવકેન્દ્રિત અભિગમ અનિવાર્ય છે. તેનો વાસ્તવિક ઉપયોગ નાગરિકોને વધુ સારી અને સમયબદ્ધ સેવાઓ પ્રદાન કરવા માટે થવો જોઈએ
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, તાલીમાર્થી અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ, સંશોધકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત પ્રતિભાગીઓએ આ વ્યાખ્યાનને જ્ઞાનવર્ધક, વિચારપ્રેરક અને જાહેર વહીવટ ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી ગણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પણ જણાવ્યું હતું કે, 'અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી' રાજ્યના અધિકારીઓ અને જાહેર જીવન સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો માટે વિચારવિમર્શ અને જ્ઞાનવિસ્તારનું એક મહત્વપૂર્ણ મંચ બની રહી છે, જે સુશાસન, નૈતિક નેતૃત્વ, જાહેર જવાબદારી અને જનકેન્દ્રિત વહીવટના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. 
SPIPA ના મહાનિદેશકશ્રી હરીત શુક્લા સરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વ્યાખ્યાનમાં નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સંયુક્ત સચિવ શ્રીમતિ ઋતા ભટ્ટ, સંયુક્ત નિયામક  ડી.ડી. જોગીયા, વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(10:47 PM IST)