News of Sunday, 5th July 2026
નવસારીવાસીઓ માટે ખુશખબર: પાસપોર્ટ સેન્ટર જેવી સુવિધા સાથે અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ
એક જ છત નીચે તમામ આધાર કાર્ડલક્ષી કામગીરી પૂર્ણ થશે; રોજના ૨૨૫ જેટલા નાગરિકોને મળશે ઝડપી અને સુવિધાજનક સેવા

નવસારી : નવસારી ખાતે નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી. આર. પાટીલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રથમ આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં એસી અને આધુનિક બેઠક વ્યવસ્થા સાથે નાગરિકોને તમામ આધારલક્ષી સેવાઓ એક જ સ્થળે મળી રહેશે.
આ કેન્દ્ર કોઈ સામાન્ય સરકારી કેન્દ્ર નથી, પરંતુ તેને પાસપોર્ટ સેવા કેન્દ્ર જેવી જ ઉચ્ચ સ્તરીય સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આખા દેશમાં એકસમાન કલર સ્કીમ અને બ્રાન્ડિંગ સાથે આ કેન્દ્રની ડિઝાઇન કરવામાં આવી છે. અહીં આવતા લોકો માટે એસી, આરામદાયક બેઠક વ્યવસ્થા અને શુદ્ધ પીવાના પાણીની ઉત્તમ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કાર્યક્ષમતાની વાત કરીએ તો, આ કેન્દ્રમાં એકસાથે ૪ કિટ્સ કાર્યરત રહેશે, જેનાથી કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ શકશે. આ આધુનિક વ્યવસ્થાને કારણે હવે આ કેન્દ્ર રોજબરોજના આશરે ૨૦૦ થી ૨૨૫ લોકોની અરજીઓની કામગીરી કરવાની ક્ષમતા ધરાવે છે. આ સુવિધાને કારણે નાગરિકોને લાંબી રાહ જોવી નહીં પડે અને તેમનો સમય પણ બચશે.
આ સેન્ટરનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમારે અલગ-અલગ કામ માટે અલગ-અલગ જગ્યાએ જવું નહીં પડે. આ સેન્ટરમાં એક જ છત નીચે [Aadhaar Redacted] ને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ છે, જેમ કે [Aadhaar Redacted] માં બાળકોનું એનરોલમેન્ટ તેમજ ૧૮ વર્ષથી ઉપરના લોકોનું એડલ્ટ એનરોલમેન્ટ, ફિંગરપ્રિન્ટ, ફોટો અને આઈ સ્કેન અપડેટ કરવા માટે, નામ, સરનામું, જન્મતારીખ કે મોબાઈલ નંબર જેવી માહિતીમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હવે [Aadhaar Redacted] કાર્ડને લગતા કામ માટે ધક્કા ખાવાની જરૂર નહીં પડે.
આ નવા સેવા કેન્દ્રના પ્રારંભ સાથે જ નવસારીમાં આધાર સંબંધિત પ્રક્રિયાઓ વધુ પારદર્શક અને સરળ બનશે તેવી અપેક્ષા છે. અગાઉ નાગરિકોને પડતી હાલાકીનો અંત આવશે અને વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં આવી વધુ સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
