તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
દિવાળીના તહેવારોમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : ૯ નવેમ્બર સોમવારે રજા જાહેર કરાતાં સતત ચાર દિવસનું મિની વેકેશન મળશે
રાજ્ય સરકાર, પંચાયત અને બોર્ડ-કોર્પોરેશનની તમામ કચેરીઓ ૯ નવેમ્બરે બંધ રહેશે, બદલામાં ૨૮ નવેમ્બરના ચોથા શનિવારે કામકાજ ચાલુ રહેશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: દિવાળીના તહેવાર દરમિયાન રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે તે માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવારોમાં તારીખ ૯ નવેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કર્મચારીઓને આ વખતે તહેવારોમાં સતત ચાર દિવસની લાંબી રજાઓ ભોગવવાનો સુંદર અવસર મળશે.
રજાઓની વચ્ચે આવતા સોમવારે કચેરીઓ રહેશે બંધ:
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, કેલેન્ડર વર્ષ ૨૦૨૬ની પૂર્વ નિર્ધારિત રજાઓની યાદી મુજબ તારીખ ૮ નવેમ્બર ૨૦૨૬ (રવિવાર) ના રોજ દિવાળી, ૧૦ નવેમ્બર (મંગળવાર) ના રોજ નૂતન વર્ષ દિન (બેસતું વર્ષ) અને ૧૧ નવેમ્બર (બુધવાર) ના રોજ ભાઈબીજની જાહેર રજાઓ આવે છે. આ તહેવારોની રજાઓની વચ્ચે ૯ નવેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેતી હતી. પરંતુ કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને સરકારે સોમવારના તે એક દિવસ માટે પણ રજા જાહેર કરી દીધી છે.
ચોથા શનિવારે ચાલુ રહેશે કચેરીઓ:
સોમવારની આ જાહેર કરાયેલી રજાના બદલામાં તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ આવતા ચોથા શનિવારે રાજ્ય સરકારની તમામ કચેરીઓ સામાન્ય રીતે ચાલુ રહેશે અને નિયમિત કામગીરી હાથ ધરવામાં આવશે.
બોર્ડ, કોર્પોરેશન અને પંચાયતોને પણ આદેશ લાગુ:
ગુજરાત સરકારના રાજ્યપાલશ્રીના હુકમથી અધિક સચિવ (પ્રોટોકોલ) જ્વલંત ત્રિવેદી દ્વારા જાહેર કરાયેલા આ હુકમો ગુજરાત સરકારની તમામ કચેરીઓ ઉપરાંત પંચાયત કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના તમામ બોર્ડ અને કોર્પોરેશનોને પણ સમાન રીતે લાગુ પડશે. જોકે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ) ની જોગવાઈઓ હેઠળ જાહેર કરવામાં આવેલી નથી.
સરકારના આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં આનંદની લહેર ફરી વળી છે, કારણ કે હવે તેઓ રવિવારથી બુધવાર સુધી સળંગ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
