તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 27th September 2026
ડીઝલને અલવિદા: સાબરમતીથી દેશની પ્રથમ LNG ટ્રેનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રસ્થાન કરાવાયું
ભારતીય રેલવેએ વૈકલ્પિક અને કિફાયતી ઈંધણની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી છે, જેનાથી સંચાલન ખર્ચ ઘટશે અને પર્યાવરણને પણ લાભ થશે.

સાબરમતી : ભારતીય રેલવેએ પરંપરાગત ડીઝલ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ભારતીય રેલવેમાં પ્રથમ વખત ટ્રેનની ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં LNG આધારિત ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી એક જ એન્જિનમાં LNG અને ડીઝલ બંને ઈંધણનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૪૦૦ HP ક્ષમતા ધરાવતી બે ડ્રાઇવિંગ પાવર કારને LNG ડ્યુઅલ-ફ્યુઅલ પ્રણાલીમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરવામાં આવી છે અને બંને DPC પર ૨,૦૦૦ કિલોમીટરથી વધુના ફિલ્ડ ટ્રાયલ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. દરેક DPCમાં આશરે ૨,૨૦0 લિટરની ક્ષમતાવાળી LNG ટાંકી સ્થાપિત કરવામાં આવી છે જેમાં ૮૫૦ થી ૯૦૦ કિલોગ્રામ ઉપયોગી LNG ભરી શકાય છે, અને સંપૂર્ણ LNG ભર્યા બાદ આ ટ્રેન એક જ વારમાં અંદાજે ૧,૬૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે.
આ નવી ટેકનોલોજીના કારણે આર્થિક દ્રષ્ટિએ પણ મોટો ફાયદો થવાનો અંદાજ છે, કારણ કે પરીક્ષણ દરમિયાન મળેલા આંકડાઓ મુજબ માત્ર એક જ DPCથી વર્ષે આશરે રૂ. ૨૫ લાખની બચત થઈ શકશે તેમજ LNG ખૂટી પડવાની સ્થિતિમાં ટ્રેન આપમેળે ડીઝલ વિકલ્પ પર સ્વિચ થઈ જશે જેથી સંચાલનમાં સંપૂર્ણ લવચીકતા જળવાઈ રહેશે.
આ રેલવે ક્રાંતિની ભૂતકાળની કડી અને આગામી આયોજનની વાત કરીએ તો, ભારતીય રેલવે દ્વારા ડીઝલની આયાત પાછળ થતા ખર્ચને ઘટાડવા અને પરિવહન તંત્રને વધુ ટકાઉ તથા કાર્યક્ષમ બનાવવા માટે લાંબા સમયથી વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો પર કામ ચાલી રહ્યું હતું, અને આ સફળ શરૂઆત બાદ આગામી સમયમાં આ ટેકનોલોજીનો વ્યાપ દેશભરમાં વધારવામાં આવશે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
