News of Tuesday, 20th October 2026
રાજ્યમાં વીજળીની સર્વોચ્ચ માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક : વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા કરાયું વ્યાપક આયોજન : રાજ્ય સરકારે વીજ પુરવઠો જાળવી રાખવા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને અનેક સક્રિય પગલાં લીધા
રાજ્યમાં ૧૬ ઓક્ટોબરે રેકોર્ડબ્રેક ૨૯,૮૨૨ મેગાવોટ વીજ માંગ નોંધાઈ : કોલસાનો પુરવઠો વધારવા, સોલાર એનર્જી અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પર મુકવામાં આવ્યો વિશેષ ભાર : બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે દિન-પ્રતિદિન સતત વધી રહેલી વીજળીની માંગ અને પુરવઠાની વર્તમાન પરિસ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ.ડી. શાલિની અગ્રવાલ સહિત પાવર સેક્ટરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજ માંગમાં અણધાર્યો વધારો અને તેના કારણો:
બેઠકમાં રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન મુજબ, ગત ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ ૨૯,૮૨૨ મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી, જે ગત વર્ષના ઓક્ટોબર મહિનાની ૨૧,૮૨૨ મેગાવોટની સરખામણીએ ૩૬.૬% વધુ છે. આ ઉપરાંત દૈનિક વીજ વપરાશ પણ ૪૫૭ મિલિયન યુનિટથી વધીને ૫૭૪ મિલિયન યુનિટ (૨૭% વધારો) પર પહોંચ્યો હતો. કુલ સપ્લાય થયેલી વીજળીમાંથી PGVCL માં ૩૦%, DGVCL અને UGVCL માં ૨૨-૨૨%, MGVCL માં ૧૦% તથા અન્ય ડિસ્કોમમાં ૧૬% વપરાશ થયો છે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વીજ માંગમાં આશરે ૧૨% (૪,૦૦૦ મેગાવોટ) નો વધારો નોંધાવા પાછળ નબળા ચોમાસા બાદ અલનિનોની અસરને કારણે ઊંચું તાપમાન રહેવાથી કૂલિંગ લોડમાં થયેલો વધારો મુખ્ય કારણ છે. ઉપરાંત, ખેડૂતોના ઊભા પાકને સિંચાઈનું પૂરતું પાણી આપવાને કારણે કૃષિ લોડ વધીને દૈનિક ૧૨,૦૦૦ મેગાવોટ સુધી પહોંચ્યો છે અને આગામી દિવાળીના તહેવારોને લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થવાથી પણ માંગ વધી છે. બીજી તરફ, ઓછા વરસાદને કારણે હાઇડ્રો પાવર અને પવનની ગતિ ઓછી હોવાથી પવન ઊર્જાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સાંજના સમયે સોલાર ઉત્પાદન શૂન્ય થતાં કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સ દ્વારા અવિરત પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકાર સાથે સંકલન અને કોલસાનો પુરવઠો:
સરકારે વીજ પુરવઠો જાળવી રાખવા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને અનેક સક્રિય પગલાં લીધા છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી રોજના ૧૦ થી ૧૧ રેલવે રેક અને ત્યારબાદ રોજના ૧૩ થી ૧૪ રેકનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત એનટીપીસીના ફરક્કા પ્લાન્ટમાંથી ૩૨૯ મેગાવોટ, આસામમાંથી ૫૫૧ મેગાવોટ વીજળી ફાળવાઈ છે, જ્યારે બાઢ-I અને દાદરી-I ના ૭૧૬ મેગાવોટના કરારની મુદત માર્ચ ૨૦૨૮ સુધી લંબાવાઈ છે. કેન્દ્ર પાસે વધુ ૫૦૦ મેગાવોટની માંગણી કરાઈ છે.
ભવિષ્યનું લાંબાગાળાનું આયોજન અને બેટરી સ્ટોરેજ (BESS):
દિવસના ભાગે ઉપલબ્ધ ૧૨,૦૦૦ મેગાવોટ સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા અને સાંજના પીક અવર્સની માંગને પહોંચી વળવા સરકાર બૅટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પર ભાર મૂકી રહી છે. હાલ રાજ્યમાં ૧૯૨ મેગાવોટ BESS કાર્યરત છે, ૨,૭૪૨ મેગાવોટ / ૫,૫૧૭ મેગાવોટ-કલાક ક્ષમતાના કરારો પૂર્ણ થયા છે, માર્ચ ૨૦૨૭ સુધીમાં ૫૦૦ મેગાવોટ કાર્યરત થશે અને વધુ ૧,૦૦૦ મેગાવોટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.
લાંબાગાળાના આયોજન હેઠળ સેન્ટ્રલ થર્મલ અને હાઇડ્રો સ્ટેશનોમાંથી ૨૦૨૮-૨૯ થી ૧૩૦૦+ અને ૧૨૦૦+ મેગાવોટ વીજળી તબક્કાવાર મળશે, તેમજ ૨૦૩૧-૩૨ માટે વધારાની ૫૦૦૦+ મેગાવોટ વીજળી મગાવાઈ છે. GUVNL દ્વારા શક્તિ યોજના હેઠળ ૪,૦૦૦ મેગાવોટ માટે ટેન્ડર બહાર પડાશે, NPCIL સાથે ૪,૨૦૦ મેગાવોટના ન્યુક્લિયર પ્રોજેક્ટ (પ્રથમ યુનિટ ૨૦૩૨ માં) માટે એમઓયુ થયા છે. આ ઉપરાંત ઉકાઈ ખાતે ૮૦૦ મેગાવોટનો નવો થર્મલ પ્લાન્ટ સપ્ટેમ્બર ૨૦૨૯ થી કાર્યરત થશે તેમજ સિનોર, વણાકબોરી અને ગાંધીનગર ખાતે નવા પ્રોજેક્ટ્સ માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રીશ્રીએ આ તમામ કાર્યોને વધુ ગતિથી આગળ વધારવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
