તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નિયમોમાં ભારત સરકારનો મોટો ફેરફાર : ખેડૂતો માટે હવે દર વર્ષે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ આગામી ૩૦ જૂન સુધીમાં બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા ગુજરાત ખેતી નિયામક કચેરીનો મહત્વનો અનુરોધ

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત સરકારના નવા આદેશ અનુસાર, હવેથી PM કિસાન યોજના હેઠળ આર્થિક સહાયનો હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે ફરજીયાતપણે e-KYC કરાવવાનું રહેશે. આ અંતર્ગત ગુજરાતના ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને સત્તાવાર અનુરોધ કરીને જણાવવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક e-KYC કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત દરેક લાભાર્થીએ આગામી તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં પોતાની પ્રક્રિયા અચૂક પૂર્ણ કરી લેવાની રહેશે.
નવા સુધારેલા નિયમો મુજબ, હવેથી આ યોજના હેઠળ મળવાપાત્ર નાણાકીય સહાય માત્ર એવા જ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું વાર્ષિક e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરીના સ્પષ્ટીકરણ મુજબ, લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તાની ચુકવણી થાય તે પહેલાં આ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે, જેથી કોઈ પણ સાચો ખેડૂત આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય.
રાજ્યના ખેડૂતોની સુવિધા માટે સરકાર દ્વારા e-KYC પૂર્ણ કરવા માટે ૩ ખૂબ જ સરળ અને લોકભોગ્ય પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાંથી ખેડૂતો કોઈપણ એક પદ્ધતિ પસંદ કરી શકશે:
૧. ફેસ ઓથેન્ટિકેશન (ગ્રામ્ય કક્ષાએ): ખેડૂતો પોતાના ગ્રામ્ય સ્તરે જઈને ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકે છે અને તેમના માધ્યમથી PM કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચહેરો બતાવીને (ફેસ ઓથેન્ટિકેશન) પોતાનું e-KYC કરાવી શકશે.
૨. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (કેન્દ્રો પર): ખેડૂત મિત્રો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા તો ગ્રામ પંચાયત ખાતે આવેલા "ઈ-ગ્રામ" કેન્દ્ર પર જઈને અંગૂઠા કે આંગળીના નિશાન (બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન) દ્વારા પણ આ પ્રક્રિયા સરળતાથી કરાવી શકે છે.
૩. PM કિસાન મોબાઈલ એપ દ્વારા (સ્વયં): સ્માર્ટફોન ધરાવતા લાભાર્થીઓ પોતે જ પ્લેસ્ટોરમાંથી PM કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરીને તેમાં 'Beneficiary' (લાભાર્થી) તરીકે લોગિન કરી શકે છે. ત્યારબાદ પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી જાતે જ e-KYC પૂર્ણ કરી શકે છે. આ ડિજિટલ પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, એક જ સક્રિય લાભાર્થી પોતાના સિવાય ગામના કે પરિવારના અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC પણ આ એપના માધ્યમથી કરી શકશે.
ખેતી નિયામક કચેરી દ્વારા વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, જો કોઈ ખેડૂત લાભાર્થી હાલના સમયે કોઈ કામ અર્થે પોતાના વતનથી બહારગામ હોય અથવા અન્ય કોઈ સ્થળે કામચલાઉ ધોરણ સ્થળાંતરિત થયા હોય, તો તેમણે પણ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ જે તે સ્થળેથી જ ઉપર દર્શાવેલી ૩ પદ્ધતિઓમાંથી અનુકૂળ એવી કોઈપણ એક પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમર્યાદા એટલે કે ૩૦ જૂન પહેલાં પોતાનું વાર્ષિક e-KYC કરાવી લે, જેથી આગામી સમયમાં યોજના હેઠળ મળનારા હપ્તા અટકી ન પડે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
