<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

કતાર, ઓમાન અને યુએઈમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ માટેનું સરકારનું મિશન સફળતાપૂર્વક સંપન્ન : ખાડી દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી થઈ વધુ મજબૂત

શ્રમ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરાના નેતૃત્વ હેઠળના ઉચ્ચ-સ્તરીય ડેલીગેશને સોવરેન વેલ્થ ફંડ્સ, નાણાકીય સંસ્થાઓ અને અગ્રણી ઉર્જા કંપનીઓ સાથે યોજી બેઠકો : ગિફ્ટ સિટી, ઉર્જા, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ માટે અનેક સંસ્થાઓએ દાખવ્યો વિશેષ રસ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વૈશ્વિક બિઝનેસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ભારતભરમાં આગવું સ્થાન ધરાવતી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' (VGGS) ની ૧૧મી આવૃત્તિ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહી છે. આ વૈશ્વિક મહાસંમેલનની તૈયારીઓને વેગ આપવા અને ખાડી દેશો સાથેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે ગત ૨૫ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે અત્યંત સફળ રહી છે.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરાના નેતૃત્વમાં ગયેલા આ પ્રતિનિધિમંડળમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રીય એજન્સીઓના પદાધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ હતા. એક સપ્તાહ સુધી ચાલેલી આ સઘન મુલાકાત દરમિયાન ડેલીગેશને ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ, ઉર્જા દિગ્ગજો, લોજિસ્ટિક્સ ઓપરેટર્સ, ઇન્ડસ્ટ્રિયલ ડેવલપર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણ, વેપાર, અદ્યતન ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય સેવાઓ માટે ગુજરાત એક આદર્શ અને પસંદગીનું સ્થળ હોવાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિવિધ ક્ષેત્રોને આવરી લેતી ૨૫થી વધુ વન-ટુ-વન બેઠકો અને રાઉન્ડટેબલ સંવાદો:
આ મિશન દરમિયાન ફાઇનાન્સ, ઉર્જા, લોજિસ્ટિક્સ, બંદરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, બાયોટેકનોલોજી, શિક્ષણ, શહેરી વિકાસ, રિટેલ અને અદ્યતન ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળે ૨૫થી વધુ વન-ટુ-વન બેઠકો, સેક્ટર-આધારિત રાઉન્ડટેબલ સંવાદો અને સાઇટ વિઝિટ યોજી હતી. આ બિઝનેસ રાઉન્ડટેબલમાં ૧૬૦થી વધુ સંસ્થાકીય પ્રતિનિધિઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

આ મુલાકાત દરમિયાન કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), કતાર ફાઇનાન્સિયલ સેન્ટર (QFC), કતાર એનર્જી, કતાર નેશનલ બેંક, ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (OIA), ઓમાન LNG, OQ, અસ્યાદ ગ્રુપ (Asyad Group), કેઝાદ ગ્રુપ (KEZAD Group), એડનોક (ADNOC), DMCC, એમાર ગ્રુપ (EMAAR Group), નેસ્ટો (NESTO), રાક બેંક (RAK Bank) અને ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ સહિતની વૈશ્વિક સ્તરની અગ્રણી સંસ્થાઓ સાથે ફળદાયી ચર્ચાઓ થઈ હતી.

સોવરેન વેલ્થ ફંડ્સ અને ગિફ્ટ સિટીમાં રોકાણ માટે ભારે ઉત્સાહ:
આ મિશનનું સૌથી મોટું આકર્ષણ કતાર, ઓમાન અને અન્ય વ્યૂહાત્મક રોકાણ સંસ્થાઓના સોવરેન વેલ્થ ફંડ્સ સાથેનો સીધો સંવાદ રહ્યો હતો. આ બેઠકોમાં ગુજરાતની લાંબા ગાળાની વિકાસ યાત્રાને અનુરૂપ રોકાણ કરવાની તકો અંગે ગાઢ રસ દાખવવામાં આવ્યો હતો. પ્રતિનિધિમંડળે ગિફ્ટ સિટી (GIFT City), રિન્યુએબલ એનર્જી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિગતવાર પ્રદર્શન કર્યું હતું. અગ્રણી નાણાકીય સંસ્થાઓ સાથેની બેઠકોમાં ગિફ્ટ સિટી ખાતે બેંકિંગ, વીમા, ટ્રેઝરી, ફંડ મેનેજમેન્ટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) ની સ્થાપના કરવા માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે ડેટા સેન્ટર્સ, હેલ્થકેર, બાયોટેકનોલોજી, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અંગે ચર્ચા થઈ હતી.

ઉર્જા સહયોગ અને લોજિસ્ટિક્સ કોરિડોર પર વિશેષ ભાર:
આ પ્રવાસમાં ઉર્જા સુરક્ષા અને લાંબા ગાળાની ભાગીદારી મુખ્ય આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યા હતા. કતાર એનર્જી, ADNOC, OQ અને ઓમાન LNG સાથે ઉર્જા ક્ષેત્રે હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને રિગેસિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચાઓ થઈ હતી. ઉપરાંત, ADNOC ની રોકાણ શાખા 'XRG' એ ભારતમાં વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણોમાં રસ દાખવ્યો હતો. બીજી તરફ, ઓમાન અને યુએઈ સાથે 'ગુજરાત-ઓમાન ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કોરિડોર' ના વિકાસ તથા ઔદ્યોગિક પાર્ક, વેરહાઉસિંગ અને કોલ્ડ-ચેઇન સુવિધાઓ વિકસાવવા અંગે સહમતિના દ્વાર ખુલ્યા છે. પ્રતિનિધિમંડળે ઓમાનની 'ખઝાએન ઇકોનોમિક સિટી'ની મુલાકાત પણ લીધી હતી.

શૈક્ષણિક સહયોગ અને પ્રવાસી ગુજરાતીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ:
શહેરી વિકાસ ક્ષેત્રે એમાર ગ્રુપ સાથે ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ્સ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચા કરાઈ હતી, જ્યારે ઓમાન સાથે કૌશલ્યા યુનિવર્સિટીના માધ્યમથી શૈક્ષણિક અને સ્કિલિંગ ક્ષેત્રે આદાન-પ્રદાન માટે પણ તકો ચકાસવામાં આવી હતી. આ મિશનની સૌથી સુંદર પળ ત્રણેય દેશોમાં વસતા ગુજરાતી ડાયસ્પોરા (પ્રવાસી ભારતીય) ની ઉપસ્થિતિ રહી હતી, જ્યાં ૫૦૦થી વધુ ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭માં જોડાવાની પ્રબળ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મિશને ખાડી દેશો સાથે ગુજરાતના આર્થિક સંબંધોને વધુ મજબૂત અને દીર્ઘકાલીન બનાવવાનો મજબૂત પાયો નાખ્યો છે.

(5:44 PM IST)