<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

વિદ્યાર્થીઓના નામે સ્પર્ધાત્મક પરીક્ષાઓની બોગસ રસીદો રજૂ કરી રૂ.16.54 લાખની સરકારી નાણાંની ઉચાપત: બે શખ્શો સામે ગુન્હો

ગુજરાતમાં બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનામાં મસમોટું કૌભાંડ:અમદાવાદના બે શખ્સો સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ શાખાએ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગુજરાત સરકારના બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સાથે મોટા પાયે છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગોની સહાય યોજનામાં બોગસ પહોંચો રજૂ કરી રૂ. 16.54 લાખની સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ અમદાવાદના બે ઈસમો સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે.

ગુજરાતમાં સરકારી નાણાંની ઉચાપત અને સરકારી કલ્યાણકારી યોજનાઓનો દુરુપયોગ કરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે નિશાના પર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ચાલતી સબસિડી યોજનાઓ હતી. ગંભીરતાને જોતા રાજ્યના ગૃહ વિભાગે આ કેસની તપાસ સીધી સ્પેશિયલ વિંગને સોંપી છે.

સત્તાવાર વિગતો અનુસાર, બિન અનામત જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેવી કે GPSC, UPSC, બેંકિંગ) ની પૂર્વતૈયારી માટે કોચિંગ ક્લાસની ફીમાં મદદ કરવા સરકારી નિગમ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ જ કલ્યાણકારી યોજનામાં મોટું ગાબડું પાડીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

તપાસમાં બહાર આવેલા તથ્યો અનુસાર, અમદાવાદના બે ભેજાબાજ ઈસમોએ આ આખી છેતરપિંડીનું નેટવર્ક ઊભું કર્યું હતું. તેમણે અંજામ આપવા માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા અને સુરતના નિર્દોષ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ ડિજિટલ પોર્ટલનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓના નામે ઓનલાઈન ફોર્મ ભરાવડાવ્યા હતા

આ સમગ્ર ષડયંત્રમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જે વિદ્યાર્થીઓના નામે ફોર્મ ભરાયા હતા, તેમણે ક્યારેય કોઈ પણ કોચિંગ ક્લાસમાં તાલીમ લીધી જ નહોતી. આરોપીઓએ ખાનગી ક્લાસના નામે નકલી પહોંચ અને બોગસ ડિજિટલ સહી વાળી રસીદો બનાવી નિગમમાં સબમિટ કરી દીધી હતી.

આ બોગસ દસ્તાવેજોના આધારે સરકારી સિસ્ટમમાંથી કુલ 16 લાખ 54 હજાર રૂપિયા મંજૂર કરાવીને આરોપીઓએ પોતે સેરવી લીધા હતા. આ રીતે તેમણે બિન અનામત વર્ગ નિગમની સત્તાવાર માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ કર્યો હતો.

(12:16 AM IST)