તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ગુજરાતમાં ઇંધણ બચત અને ખર્ચમાં કાપ માટે સરકારની નવી વ્યૂહરચના : શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખાનગી ક્ષેત્રમાં ‘વર્ક ફ્રોમ હોમ’નો વિકલ્પ અપનાવવા આપ્યા સંકેત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીના પ્રવાસોમાં હેલિકોપ્ટરનો વપરાશ ઘટાડી કાર્યક્રમો ઓનલાઈન યોજવા પર ભાર : એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં મોટાપાયે કરકસરનું આયોજન

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશોના વધતા વપરાશને અંકુશમાં લેવા અને વહીવટી ખર્ચમાં મોટો ઘટાડો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક ક્રાંતિકારી રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઈંધણની બચત કરવાના આ અભિયાન હેઠળ સરકાર હવે ઉચ્ચ સ્તરીય સરકારી કાર્યક્રમોની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના રાજ્યભરમાં યોજાતા વિવિધ સરકારી કાર્યક્રમો હવે પ્રત્યક્ષને બદલે વધુમાં વધુ વર્ચ્યુઅલ માધ્યમથી યોજવાની દિશામાં ગંભીરતાથી વિચારણા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ હેલિકોપ્ટર અને ગાડીઓના કાફલાના ઉપયોગને મર્યાદિત કરી એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલની બચત કરવાનો છે.
વર્ક ફ્રોમ હોમ માટે ખાનગી કંપનીઓ સાથે બેઠક યોજાશે:
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર ઇંધણ બચાવવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. તેમણે સૂચવ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને ફરી જીવંત કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે આગામી સમયમાં વિવિધ ખાનગી કંપનીઓ અને ઔદ્યોગિક એસોસિયેશનો સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવશે. તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
ટ્રાફિક અને ઇંધણના વપરાશમાં ઘટાડો કરવાનો લક્ષ્ય:
મોટા શહેરોમાં દરરોજ લાખો કર્મચારીઓ પોતાના વાહનો લઈને ઓફિસે જતા હોય છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલનો જંગી વપરાશ થાય છે. જો ઓનલાઈન કાર્ય પદ્ધતિને પ્રોત્સાહન મળે તો રસ્તા પરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને વ્યક્તિગત તેમજ રાષ્ટ્રીય સ્તરે ઇંધણની બચત થશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પોતે પણ પોતાના વિવિધ વિભાગોમાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી રહી છે.
વહીવટી પ્રોટોકોલનું રખાશે ધ્યાન:
આ નવા આયોજન અંગે મંત્રીએ ખાતરી આપી હતી કે કાર્ય પદ્ધતિમાં ગમે તેટલા ફેરફાર કરવામાં આવે પરંતુ સરકારી પ્રોટોકોલ અને વહીવટી નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉદ્યોગોના હિત અને કર્મચારીઓની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને જ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. સરકારના આ સકારાત્મક અભિગમથી આગામી દિવસોમાં રાજ્યમાં ડિજિટલ કાર્યશૈલીનો વ્યાપ વધશે અને સમય તેમજ નાણાંની બચત થશે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
