તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ છોડી સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ પ્રવાસ ખેડ્યો : જનતા સાથે આત્મીય સંવાદ સાધ્યો
અડાજણથી જીણોદ ગામ સુધીની મુસાફરીમાં પોતે ટિકિટના પૈસા ડિજિટલ પેમેન્ટથી ચૂકવી ટેકનોલોજીનો પ્રસાર કર્યો : અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન અને શાળામાં રાત્રિ રોકાણ કરી સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સુરત:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાની સાદગી અને જન-સંવેદના માટે જાણીતા છે, જેનો પ્રત્યક્ષ અનુભવ સુરતવાસીઓને થયો હતો. મે મહિનાની 40 ડિગ્રીથી વધુની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલ લોકભવનની સુખ-સુવિધાઓનો ત્યાગ કરી સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસટી)ની સાધારણ બસમાં બેસીને કરી હતી. પ્રોટોકોલ અને વિશિષ્ટ સુરક્ષા વ્યવસ્થાઓને બાજુ પર રાખી એક સામાન્ય નાગરિકની જેમ તેમણે પ્રવાસ કર્યો હતો.
આ યાત્રા દરમિયાન રાજ્યપાલે ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વેગ આપતા પોતાની ટિકિટની રકમનું ડિજિટલ પેમેન્ટ કર્યું હતું. બસમાં સવાર અન્ય મુસાફરો માટે પણ આ ક્ષણ આશ્ચર્યજનક હતી જ્યારે રાજ્યના પ્રથમ નાગરિક તેમની બાજુમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા. સફર દરમિયાન તેમણે મુસાફરો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો, તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સરકારી પરિવહન સેવાની ગુણવત્તાનો પ્રત્યક્ષ અનુભવ લીધો હતો. આ પૂર્વે પણ તેઓ અનેકવાર એસટી બસનો ઉપયોગ કરી ચૂક્યા છે, જે જાહેર સેવાઓ પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દર અઠવાડિયે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તાલુકાઓની મુલાકાત લે છે. જીણોદ ગામમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ પોતે હાથમાં ઝાડું લઈને ગ્રામજનો સાથે સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સામાજિક સમરસતાનો સંદેશ આપતા તેમણે ગામના એક અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કર્યું હતું. રાત્રિ દરમિયાન કોઈ આલીશાન ભવનને બદલે ગામની સરકારી શાળાના સામાન્ય કક્ષમાં રોકાણ કરી તેમણે સાદગીનો પરિચય આપ્યો હતો.
ગ્રામ મુલાકાતના ભાગરૂપે યોજાયેલી રાત્રિ સભામાં તેમણે શિક્ષણ, વ્યસનમુક્તિ, આરોગ્ય અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર ગ્રામજનો સાથે ગોષ્ઠી કરી હતી. વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગ-પ્રાણાયામ કર્યા બાદ તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જાતે ગાયનું દૂધ દોહન પણ કર્યું હતું. પ્રવાસના અંતિમ તબક્કામાં સમગ્ર તાલુકાના ખેડૂતો સાથે સંવાદ કરી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યપાલની આ આખી મુલાકાત તેમના પ્રભાવી જનસંપર્ક અને લોકકલ્યાણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
