<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ખેરગામ તાલુકાના પાણીખડક ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

રાજ્યપાલએ પ્રાથમિક શાળામાં આયોજીત રાત્રિ સભામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, વર્ષાજળની બચત, નશામુક્તિ અને પ્રાકૃતિક ખેતીને અપનાવવા ગ્રામજનોને કર્યો અનુરોધ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી

નવસારી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ દિવસની રાત્રિએ ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી
  આ પ્રસંગે રાજ્યપાલએ પાણીખડક ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર વૃક્ષોરોપણ નહીં, પરંતુ વૃક્ષોનું જતન અને માવજત કરવા પણ ખાસ સૂચન કર્યું હતું.  
રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પો “એક પેડ મા કે નામ”, "સ્વચ્છતા અભિયાન" જેવા જનલક્ષી સંકલ્પોમાં દરેક નાગરિક ફાળો આપે તે જરૂરી છે. આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્યપાલશ્રીએ દરેક પરિવારના વડીલોને ખૂદ તમાકુ, ગુટકા જેવા વ્યસનોથી દુર રહેવા તથા પોતાના બાળકોને દૂર રાખવા સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે ગ્રામજનોને ભુગર્ભ જળને વધારવા વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું હતું. ખેડૂતોને તેમણે ખેતી સાથે અન્ય આવક વધારવા પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી ભારતની આવતી કાલ છે તેથી તેમણે માતા-પિતા તથા વડીલોને બાળકોને સંસ્કારી બનાવવા તથા મોબાઈલ- ટીવી વગેરેથી દૂર રાખીને માત્ર ઉચ્ચ શિક્ષણ નહી પરંતુ કોઈપણ સ્કિલ્ડ કોર્ષ કરાવવા અનુરોધ કર્યો હતો.  
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીએ જનજાતિય કલ્યાણ યોજનાની જાહેરાત કરી માત્ર ગુજરાતની આદિવાસી જનતા માટે રૂ. બે લાખ કરોડ મંજૂર કર્યા છે. જે ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ બેલ્ટના વિકાસમાં આમૂલ પરિવર્તન લાવશે. 
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસ અને સમૃદ્ધિની આકાંક્ષા જ ગુજરાત 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭' નું વિઝન સાકાર કરવામાં મદદરૂપ થશે. ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી કરવામાં કોઈ અડચણ આવતી હોય તો તેના નિવારણ માટે તેમણે તત્પરતા દર્શાવી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી 'પ્રાકૃતિક કૃષિ' અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી.
આ ગ્રામસભામાં આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની,  જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદાર સ્વપ્નીલ એમ સિસલે, નાયબ વન સંરક્ષક સુશ્રી ઉર્વશી પ્રજાપતિ, પદાધિકારી-અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચ, ખેતીવાડી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં

(1:13 PM IST)