News of Monday, 18th May 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘જનગણના-૨૦૨૭’ અન્વયે ઓનલાઈન માધ્યમથી સ્વ-ગણતરી પૂર્ણ કરી
રાજ્યના નાગરિકોને ૩૧ મે સુધીમાં ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા રાજ્યપાલનો અનુરોધ:દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરીમાં શરૂ કરાયેલી ‘સ્વ-ગણતરી’ પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઇલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે:સચોટ અને સમયસર મળેલા આંકડા ‘વિકસિત ભારત’ના નિર્માણ અને જનકલ્યાણની નીતિઓ ઘડવામાં માઈલસ્ટોન સાબિત થશે

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતેથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમને આ વખતની સંપૂર્ણ ડિજિટલ અને સુરક્ષિત જનગણના પ્રક્રિયાની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા.
રાજ્યપાલએ આ રાષ્ટ્રીય મહાઅભિયાનની પ્રશંસા કરતા ગુજરાતના જન-જનને આ કવાયતમાં જોડાવા ભાવભરી અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ મોડથી વેબ પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે, જે નાગરિકો માટે અત્યંત સરળ, સુરક્ષિત અને અનુકૂળ છે.
રાજ્યપાલએ ઉમેર્યું કે, સશક્ત અને સમાવિષ્ટ વિકસિત ભારતના નિર્માણ માટે સચોટ અને સમયસરની માહિતી અનિવાર્ય છે. નાગરિકોની સક્રિય ભાગીદારી જ આ મહાઅભિયાનને સફળ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી-૨૦૨૭માં પ્રથમ વખત નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી જાતે ઓનલાઇન સબમિટ કરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ પદ્ધતિ રજૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ ગણતરી ૩૧ મે, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબ પોર્ટલ https://se.census.gov.in/ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો આપેલા માર્ગદર્શન મુજબ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે.
આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી ૧ જૂન થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં ૧ લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યપાલએ વસ્તી ગણતરી વિભાગની સમગ્ર ટીમને આ રાષ્ટ્રીય કાર્યના સફળ અમલીકરણ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
