<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

મહેમદપુરમાં અનુસૂચિત જાતિ પરિવારના ઘરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માણ્યું સાત્વિક ભોજન

શ્રમિક પરિવારના ઘરે રાજ્યપાલની આત્મીય મુલાકાત: પરિવાર સાથે ભોજન માણી બાળકોને શિક્ષણ અને સંસ્કારની પ્રેરણા આપી:સમાજના દરેક વર્ગ સાથે આત્મીય જોડાણ એ જ સાચી લોકસેવા”: સાદગી, સમરસતા અને સંવેદનાનો રાજ્યપાલનો સંદેશ

પાટણ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાટણ તાલુકાના મહેમદપુર ગામે અનુસૂચિત જાતિ પરિવારના શ્રમિક  અમરતભાઈ બબાભાઈ રાઠોડના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવાર સાથે આત્મીય મુલાકાત કરી હતી. રાજ્યપાલએ પરિવાર સાથે અત્યંત સહજતા અને આત્મીયતાપૂર્વક સાંજનું સાત્વિક ભોજન માણી સામાજિક સમરસતા અને આત્મીય લોકસંપર્કનો સંદેશ આપ્યો હતો.
અમરતભાઈનો પરિવાર શ્રમ અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલશ્રી તેમના ઘરે પધારતા પરિવારના સભ્યો આનંદિત અને ભાવવિભોર થઈ ગયા હતા. રાજ્યપાલશ્રીએ પરિવારના તમામ સભ્યો સાથે વડીલ સહજતા સાથે આત્મીય સંવાદ કરી તેમની પૃચ્છા કરી હતી અને પરિવારની જીવનપરિસ્થિતિ તથા રોજિંદા જીવન વિશે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલએ પરિવારના બાળકો સાથે પણ પ્રેમપૂર્વક સંવાદ કર્યો હતો. બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારના મહત્વ વિશે સમજાવતાં તેમણે સારા શિક્ષણ સાથે સારા સંસ્કારો કેળવી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. રાજ્યપાલએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવતાં તેઓ જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
રાજ્યપાલએ પરિવાર સાથે સાંજના સાત્વિક ભોજનમાં મગની દાળ, દૂધીનું શાક, ભાખરી અને સલાડનો આસ્વાદ માણ્યો હતો. સામાન્ય શ્રમિક પરિવારના ઘરમાં પરિવારજનો સાથે જમીને રાજ્યપાલએ ‘સાદગીમાં સંવેદના’ અને ‘સહજતામાં સમાજ સાથેનું જોડાણ’નું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલના આગમનથી પરિવારજનો અત્યંત ભાવવિભોર બન્યા હતા. પોતાના ઘરે રાજ્યપાલશ્રી પધાર્યા અને પરિવાર સાથે આત્મીયતાથી ભોજન લીધું તે ક્ષણને પરિવારજનોએ જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી.
રાજ્યપાલની આ મુલાકાતે સામાજિક સમરસતા, સાદગી અને માનવીય સંવેદનાનો સુંદર સંદેશ આપ્યો હતો. સમાજના દરેક વર્ગ સાથે આત્મીયતાથી જોડાઈ તેમના સુખ-દુઃખની પૃચ્છા કરવી અને બાળકોના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપવી એ રાજ્યપાલના લોકસેવા પ્રત્યેના સંવેદનશીલ અભિગમને ઉજાગર કરે છે.

(11:02 PM IST)