તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું
રાજ્યપાલએ પરિવારજનો સાથે આત્મીયતાથી સંવાદ કરી સાદું અને સાત્વિક ભોજન આરોગ્યું

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજુલા તાલુકાના સમૂહ ખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાત્રિ સભા પૂર્વે ગામના અનુસૂચિત જાતિ પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે પધારી પરિવારનું ભોજન આતિથ્ય માણ્યું હતું.
રાજ્યપાલએ ધાખડા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો અને પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા. ત્યારબાદ પરિવાર સાથે બેસીને સાદું અને સાત્વિક ભોજન લીધું હતું. આ પ્રસંગે પરિવારની બહેનોએ આત્મીયતાથી તૈયાર કરેલું ભોજન રાજ્યપાલએ ભાવપૂર્વક ગ્રહણ કર્યું હતું.
રાજ્યપાલના આ સહજ, સરળ અને આત્મીય વ્યવહારથી ધાખડા પરિવાર આનંદિત અને ભાવવિભોર બન્યો હતો. રાજ્યપાલએ અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન કરીને સામાજિક સમરસતા, સમાનતા અને ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધાખડા પરિવારે રાજ્યપાલ પોતાના આંગણે પધાર્યા અને પરિવાર સાથે ભોજન લીધું તે બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સાવરકુંડલા - લીલીયાના ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ કુમાર મૌર્ય, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર હર્ષિતા ગોયલ, એ. એસ. પી જયવીર ગઢવી હાજર રહ્યા હતા
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
