<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભરૂચના હલદરવા ગામે વૃક્ષારોપણ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

રાજ્યપાલએ ગ્રામજનોને સ્વચ્છતા જાળવી રાખવા અનુરોધ કર્યો: હલદરવા ગામે સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યાં: સફાઈ કર્મચારીઓનું સન્માન કરી વૃક્ષારોપણનો સંદેશ આપ્યો:સ્વચ્છતા જાળવતા નાગરિકો સાચા હીરો છે: જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરીએ - ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય: આચાર્ય દેવવ્રતજી

ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ તાલુકાના હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક લોકભાગીદારીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ સ્વયં ઝાડુ હાથમાં લઈને ગામના બસ સ્ટેન્ડ પાસે સફાઈ કરી ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું. આ વેળાએ તેમણે ગામની સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓની પ્રશંસા કરી સરપંચ સહિત ગ્રામજનોને અભિનંદન પાઠવ્યાં હતાં. 

ગ્રામજનોને સંબોધતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતું અભિયાન નહીં, પરંતુ જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનવી જોઈએ. ગામની સ્વચ્છતા જાળવવા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ અને લોકોની સક્રિય ભાગીદારીથી જ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર સમાજનું નિર્માણ થઈ શકે છે.

મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સંદેશાને યાદ કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ ઉમદા કાર્ય છે, નિયમિત રીતે સ્વચ્છતા જાળવનારા તથા આ કાર્યમાં યોગદાન આપનારા લોકો સમાજના સાચા હીરો છે. તેમણે ગ્રામજનોને પોતાના ઘર, ફળિયાં અને આસપાસના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, દરેક ફળિયું સ્વચ્છ રહેશે તો આખું ગામ સ્વચ્છ રહેશે. નાગરિકો પોતે ગંદકી નહીં ફેલાવે અને બાળકોને પણ સ્વચ્છતાના સંસ્કાર આપશે, તો આવનારી પેઢીમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી વધુ મજબૂત બનશે

આ પ્રસંગે રાજ્યપાલએ ગામમાં સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું. તેમના આ કાર્યની સરાહના કરતાં તેમણે સ્વચ્છતા કર્મીઓના યોગદાનને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણા આપતાં રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીમાં ‘એક પેડ માં કે નામ’અભિયાન અંતર્ગત ગ્રામજનો સાથે વૃક્ષરોપણ કરી નાગરિકોને પોતાના જન્મદિવસ જેવા પ્રસંગોએ એક વૃક્ષ વાવી તેની નિયમિત માવજત કરવા અનુરોધ કર્યો હતો. વૃક્ષારોપણની સાથે વૃક્ષોનું જતન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, તેવો સંદેશ તેમણે આપ્યો હતો.

હલદરવા ગામે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અગ્રણી પરેશભાઈ લાડ, ગામના સરપંચ સહિત અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલની આ મુલાકાતે સ્વચ્છતા, સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

(8:52 PM IST)