News of Friday, 19th June 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેરગામ તાલુકાના આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી: ખેતરની વચ્ચે ખાટલે બેસી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો
ગૌ દુગ્ધ દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા: પામઓઈલની ખેતી પદ્ધતિનું નિરીક્ષણ કરી રાજ્યપાલએ ખુશી વ્યક્ત કરી: પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્રપાકના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું

નવસારી: નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રવાસના બીજા દિવસે સવારે અછવણી ગામમાં આવેલા મહેશભાઈ ગુલાબભાઈ પટેલના હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલએ અહીં જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. ગાયના દૂધનું પ્રમાણ વધારતા પૌષ્ટિક પશુ આહારનું મહત્વ સમજાવ્યું હતું. મહેશભાઈના ખેતરમાં રાજ્યપાલએ જાતે ઘાસચારો કાપીને ગાયોને અર્પણ કર્યો હતો.
રાજ્યપાલએ પાકનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરતા પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલની પ્રગતિશીલ ખેતી અને વેલ્યુ એડિશન અંગે જાણકારી મેળવી હતી. આ તકે રાજ્યપાલએ પામઓઈલની ખેતી પદ્ધતિનું નિરીક્ષણ કરી ખુશી વ્યક્ત કરી હતી.
ખેતરમાં કુદરતના ખોળે ખાટલા પર સાદગીપૂર્ણ વાતાવરણમાં બેસી ઉપસ્થિત ખેડૂતો સાથે રાજ્યપાલએ સીધો સંવાદ કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે સૌ ખેડૂતો ઝેરમુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ સમયની માંગ છે. મહેશભાઈએ જ્યારથી રાસાયણિક ખેતી છોડી ત્યારથી તેમના ખેતરની માટી સોનુ બની ચૂકી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધતા જમીન ફળદ્રુપ બને છે. વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્રપાકના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની જરૂર છે. મહત્તમ લોકોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાથી સમાજને પ્રકૃતિની નજીક લાવી શકાશે. આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતો નથી. દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે. સંજીવની સમાન પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉન્નત અને દેશ સ્વસ્થ બનશે.
મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સતિષ ઢીમ્મર સહિત કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
