હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેમદપુરના ‘રામુ મોડલ ફાર્મ’ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું કર્યું પ્રત્યક્ષ નિરીક્ષણ
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નહીં, ધરતી-પાણી-પર્યાવરણ બચાવવાનું મહાઅભિયાન છે:ધરતીને જીવંત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પાટણ તાલુકાના મહેમદપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિકસાવવામાં આવેલા ‘રામુ મોડલ ફાર્મ’ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલએ ફાર્મમાં અમલમાં મૂકાયેલી મિશ્ર પાક પદ્ધતિ, આચ્છાદન, ઘન જીવામૃત, બીજામૃત તથા દશપર્ણી અર્કની નિર્માણ પદ્ધતિ અને તેની ઉપયોગિતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ મૂળજીભાઈ પટેલ અને પ્રમોદભાઈ પટેલ દ્વારા ૦૩ વીઘા વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ ‘રામુ મોડલ ફાર્મ’માં છેલ્લા સાત વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન પટેલ પરિવારના પાંચ ભાઈઓએ આ પ્રાકૃતિક ફાર્મનું નિર્માણ કરી મિશ્ર પાક પદ્ધતિને અપનાવી એક પ્રેરણાદાયી મોડલ ઊભું કર્યું છે. ફાર્મમાં આમળા, ચીકુ, જામફળ, શેરડી સહિતના વિવિધ પાકો અને કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાનીઓ તથા ‘આત્મા’ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવામૃત બનાવવાની પ્રક્રિયાનું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજી ખેડૂતોને તેના ઉપયોગ અને મહત્વ અંગે પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે જણાવ્યું હતું કે, હરિત ક્રાંતિના સમયમાં ડૉ. સ્વામિનાથનના અહેવાલ મુજબ દેશની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૨ થી ૨.૫ ટકા જેટલું હતું અને પ્રતિ હેક્ટર માત્ર ૧૩ કિલો નાઈટ્રોજન આપવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, સમય જતાં યુરિયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા અને તેની કુદરતી જીવંતતા ઉપર વિપરીત અસર થઈ છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટે છે તે માન્યતા બિલકુલ ખોટી છે. ગુજરાતમાં આજે ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને અનેક ખેડૂતોના અનુભવો દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા સાથે ઉત્પાદનક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થાય છે.
રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી વ્યવસ્થાની સમજ આપતાં જણાવ્યું હતું કે, વૃક્ષ પોતાના પોષણ માટે માત્ર ૨ થી ૪ ટકા પોષક તત્વો જમીનમાંથી મેળવે છે, જ્યારે તેના બાકીના પોષણનો મોટો હિસ્સો સૂર્યપ્રકાશ અને હવામાંથી પ્રાપ્ત કરે છે. મોટા બ્રિજ કે દીવાલો પર માટી અને પાણીના અભાવે પણ વડ-પીપળા જેવા વૃક્ષો ઊગી શકે છે, જે કુદરતની સ્વયંસંચાલિત અને સંતુલિત વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. કુદરતની આ વ્યવસ્થાને સમજવાની અને તેની સાથે સુસંગત ખેતી કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
દેશી ગૌમાતાના મહત્વ પર ભાર મૂકતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશી ગૌ માતાના ગોબરમાં રહેલા અસંખ્ય ઉપયોગી સૂક્ષ્મજીવો જમીનની જીવંતતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા દેશી ગાય આધારિત કુદરતી ઇનપુટ્સ જમીનની ફળદ્રુપતા વધારવા તથા ખેતીને વધુ ટકાઉ બનાવવામાં સહાયક બને છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક ખેતીની ચળવળ હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના સ્વરૂપમાં સમગ્ર દેશમાં આગળ વધી રહી છે. આ માત્ર ખેતીની પદ્ધતિમાં પરિવર્તન નથી, પરંતુ દેશની ધરતી, પાણી અને પર્યાવરણના સંરક્ષણ સાથે ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટેનું મહાઅભિયાન છે.
‘રામુ મોડલ ફાર્મ’ની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે આત્મીય સંવાદ કરી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો પણ જાણ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા અને રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક કૃષિ તરફ પરિવર્તન માટે સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. તેમણે જિલ્લાના ખેડૂતોને જમીનને માત્ર ખેતીનું સાધન નહીં, પરંતુ જીવંત ધરોહર માની તેનું સંરક્ષણ કરીએ તેવી ભાવનાત્મક અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિત ખેતીવાડી, આત્મા અને બાગાયત વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
