<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ગાંધીનગર લોકભવન ખાતે ‘વંદે માતરમ્ શિબિર’ના યુવાનો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આત્મીય સંવાદ : રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન

કેરળ, તેલંગાણા, બિહાર સહિતના વિવિધ રાજ્યોના ૧૫૦ યુવા સહભાગીઓએ લીધો ભાગ : રાષ્ટ્રીય એકતા, પ્રાકૃતિક ખેતી અને નશામુક્તિ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

ગાંધીનગર : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ‘મેરા યુવા ભારત’ અંતર્ગત આયોજિત રાષ્ટ્રીય ‘વંદે માતરમ્ શિબિર’ના યુવા સહભાગીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશેષ સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે દેશના યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના અપનાવીને રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

રાજ્યપાલએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે ભારત વિવિધ ભાષાઓ, બોલીઓ અને રીતરિવાજો ધરાવતો વિશાળ દેશ હોવા છતાં તેની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરા પ્રાચીનકાળથી એકતાના તાંતણે બંધાયેલી રહી છે. દેશની ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ જેવી ઉદાત્ત ભાવનાઓ સમગ્ર વિશ્વને કલ્યાણનો માર્ગ બતાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર યુવાનોમાં રાષ્ટ્રબોધ તેમજ સાંસ્કૃતિક સમજણને વધુ મજબૂત બનાવી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની ભૂમિકા અત્યંત નિર્ણાયક હોવાનું જણાવી રાજ્યપાલએ યુવાનોને જાતિવાદ, ભાષાવાદ અને ક્ષેત્રવાદથી ઉપર ઉઠીને કાર્ય કરવા શીખ આપી હતી. શિબિરમાં ઉપસ્થિત યુવાનોના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં તેમણે જમીનની ફળદ્રુપતા જાળવવા અને પર્યાવરણના સંતુલન માટે પ્રાકૃતિક ખેતીનું અસાધારણ મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા, જળસંરક્ષણ, વૃક્ષારોપણ અને યુવા પેઢીને નશાની લતથી બચાવવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે તા. ૨૨ થી ૨૮ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ સાત દિવસીય રાષ્ટ્રીય શિબિરમાં કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના ૧૫૦ યુવા સહભાગીઓ જોડાયા છે. વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન અને રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ‘મેરા યુવા ભારત’ના રાજ્ય નિયામક સચિન શર્મા, સહાયક નિયામક શ્રેયાંશ સિંહ સહિતના જિલ્લા યુવા અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:21 PM IST)