<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સુરતના ભેસ્તાનમાં ગોઝારી અકસ્માત: બાંધકામ સાઈટ પર પાણી ભરેલા લિફ્ટના ખાડામાં ડૂબી જતાં બે નિર્દોષ બાળકોના કમકમાટીભર્યા મોત

ડાયમંડ બિઝનેસ પાર્કના નિર્માણ કાર્ય દરમિયાન સર્જાયેલી કરુણાંતિકા; ૩ વર્ષના માસૂમ દીકરા અને દોઢ વર્ષની દીકરીના અકાળે અવસાનથી શ્રમિક પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

સુરત : દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક બાંધકામ સાઈટ પર લિફ્ટ માટે ખોદવામાં આવેલા પાણીથી ભરેલા ઊંડા ખાડામાં અકસ્માતે પડી જતાં બે નાના માસૂમ બાળકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ કરુણ બનાવમાં ૩ વર્ષના દીકરા અને દોઢ વર્ષની દીકરીએ જીવ ગુમાવતાં ગરીબ શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી આઘાતજનક સ્થિતિ સર્જાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની દીતાભાઈ કટારા પોતાની પત્ની અને બે નાહના સંતાનો સાથે સુરતના ભેસ્તાન સ્થિત ડાયમંડ બિઝનેસ પાર્કના બાંધકામ સ્થળે રોજીરોટી મેળવવા માટે મજૂરી કામ કરતા હતા. શનિવારે નિર્માણધીન કારખાનાના પરિસરમાં રમતા રમતા તેમનો ૩ વર્ષનો દીકરો અલ્કેશ અને દોઢ વર્ષની માસૂમ દીકરી રીતા અચાનક નજીકમાં આવેલા લિફ્ટના પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યા હતા.

બનાવ સમયે બાળકોના પિતા શાકભાજી લેવા બજારમાં ગયા હતા, જ્યારે બાળકો તેમની માતા સાથે સાઈટ પર જ હતા. થોડી વાર બાદ બાળકો નજરે ન પડતાં માતા-પિતા અને આસપાસના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સૌપ્રથમ દોઢ વર્ષની માસૂમ દીકરી રીતા પાણીની સપાટી પર તરતી મળી આવી હતી. તેને બહાર કાઢવાની તજવીજ ચાલુ હતી ત્યારે જ ૩ વર્ષનો અલ્કેશ પણ તે જ ખાડામાં તરતો મળી આવ્યો હતો.

બંને બાળકોને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ બંને માસૂમોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એકસાથે ઘરમાંથી બે-બે કુમળા બાળકોના કાળઝાળ મોત થતાં માતા-પિતા અને સ્વજનોના કાળજા કંપાવી મૂકે તેવા વિલાપથી હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

આ ઘટના અંગે ભીલ સમાજના સ્થાનિક આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાંધકામ સાઈટ પર અંદાજે ૭ થી ૮ ફૂટ ઊંડો લિફ્ટનો ખાડો ખુલ્લો અને પાણીથી ભરેલો રાખવામાં આવ્યો હતો, જેમાં સુરક્ષાના કોઈ જ યોગ્ય પગલાં લેવાયા નહોતા. સમાજના આગેવાનોએ પોલીસ પ્રશાસન પાસે બિલ્ડર અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તથા પીડિત શ્રમિક પરિવારને યોગ્ય આર્થિક વળતર અપાવવાની માગણી કરી છે.

આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. સાઈટ પર સુરક્ષાના સાધનો અને કાળજીનો અભાવ હતો કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શ્રમિક પરિવારે યોગ્ય વળતર અને કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે આગળની પ્રક્રિયા હાથ ધરી છે.

(7:04 PM IST)