News of Tuesday, 24th November 2026
અમદાવાદમાં ગુરુ નાનક દેવજીના 557 મા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી :નગર કીર્તનમાં 2 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા
ગતકા પાર્ટીના શસ્ત્રકળા પ્રદર્શન, ભજન-કીર્તન અને ગુરુ કા લંગરના આયોજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું

અમદાવાદમાં શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક ગુરુ નાનક દેવજીના 557 મા પ્રકાશ પર્વની ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુરુદ્વારા ગોવિંદધામથી ભવ્ય નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર નગર કીર્તન દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે ભવ્ય નગર કીર્તન યાત્રા કાઢવામાં આવી હતી. પાંચ પ્યારાઓની આગેવાનીમાં નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો સહિત અન્ય શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા. નગર કીર્તનમાં 2 હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. શ્રદ્ધાળુઓએ ગુરુ નાનક દેવજીના ઉપદેશો અને તેમના આધ્યાત્મિક સંદેશને યાદ કરીને ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો.
નગર કીર્તન યાત્રામાં શીખ પરંપરાની સમૃદ્ધ સંસ્કૃતિ અને શૌર્યનું પણ વિશેષ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગતકા પાર્ટી દ્વારા પરંપરાગત શસ્ત્રકળાનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગતકા એ શીખ સમુદાયની પરંપરાગત યુદ્ધકળા છે, જેમાં વિવિધ શસ્ત્રો સાથે કૌશલ્ય અને સાહસનું પ્રદર્શન કરવામાં આવે છે. ગતકા કલાકારોએ પોતાની અદ્ભુત કળા અને શસ્ત્રો ચલાવવાની કુશળતા દર્શાવી હતી. આ પ્રદર્શન નિહાળીને નગર કીર્તનમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શીખ પરંપરા અને સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ પ્રદર્શને યાત્રાનું ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
પ્રકાશ પર્વની ઉજવણી અંતર્ગત ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં ભજન-કીર્તન દ્વારા ગુરુ નાનક દેવજીના ઉપદેશોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં દર્શન કરી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાળુઓએ સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આમ, અમદાવાદમાં ગુરુ નાનક દેવજીના 557મા પ્રકાશ પર્વની ઉજવણી ભક્તિ, સેવા, સમાનતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
