<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ભવ્ય ઉજવણી: મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૯મી પ્રાગટ્ય જયંતિ અને માનવ સેવા અભિયાન અંતર્ગત ૧૨ લાખનું દાન

વૈદિક પૂજન, શાહી સ્વાગત અને સ્કોટિશ પાઈપ બેન્ડની વિશ્વશાંતિ ધૂન સાથે ઉજવાયો ઉત્સવ; જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો

અમદાવાદ : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મુખ્ય કેન્દ્ર એવા મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૯મી પ્રાગટ્ય જયંતિ અતિ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગભેર ઉજવવામાં આવી હતી. સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની દિવ્ય અધ્યક્ષતામાં યોજાયેલા આ મહાસંમેલન અને ઉત્સવ દરમિયાન માનવ સેવા અભિયાન અંતર્ગત અનેક સેવક કાર્યો કરવામાં આવ્યા હતા.

 

આ પવિત્ર અવસરે સંતો અને હરિભક્તો દ્વારા મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય જયંતિ નિમિત્તે વૈદિક પૂજન, અર્ચન, પાદપ્રક્ષાલન, આરતી તેમજ પુષ્પ, શર્કરા, પૂંગી ફળ અને શ્રીફળથી શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્સવના માહોલને વધુ દિવ્ય બનાવતા મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે પોતાની સૂરમય ધૂન દ્વારા વિશ્વશાંતિનો સંદેશ રેલાવ્યો હતો. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર તથા વિશ્વશાંતિ કેન્દ્ર, ઘોડાસરનો ૩૫મો વાર્ષિક પાટોત્સવ પણ દેશ-વિદેશથી પધારેલા હરિભક્તોની ઉપસ્થિતિમાં ભારે ઉત્સાહથી ઉજવાયો હતો.

 

સમારોહ દરમિયાન માનવ સેવાને પ્રાથમિકતા આપતા વિધવા બહેનો, સગર્ભા માતાઓ, પોષણયુક્ત આહાર મેળવવા પાત્ર વ્યક્તિઓ તેમજ જરૂરિયાતમંદ ગ્રામ્ય વિસ્તારની બહેનોના કલ્યાણાર્થે કુલ રૂપિયા ૧૨ લાખનો અનુદાન સહાય અર્પણ કરવામાં આવી હતી.

 

આશીર્વચન પાઠવતા જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં સાચા સંસ્કારો, ધાર્મિકતા, વ્યસનરહિત જીવનશૈલી તથા અંધશ્રદ્ધાથી મુક્ત થઈને કાળ, કર્મ, માયા અને ભયથી પર થઈને જીવન જીવવું એ જ સાચી માનવતા છે. આ સાથે વિડિયો ટેપ દ્વારા મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં સાચા સંતના લક્ષણો અને જીવનના રહસ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

 

(11:36 PM IST)