<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

જીટીયુ ખાતે યોજાયો ભવ્ય “કારીગર ટેન્ક” અને ગ્રેજ્યુએશન સમારોહ : ગ્રામિણ ઉદ્યમિતા અને આત્મનિર્ભરતાને મળ્યો નવો આયામ

૯૦ દિવસની સઘન તાલીમ બાદ કારીગરોની આવક ૧૧ લાખથી વધીને ૫.૧૧ કરોડે પહોંચી : પાંચ રાજ્યોના ૧૧૫ ગ્રામિણ ઉદ્યમીઓ પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માનિત, ભૂપેન્દ્રભાઈ મકવાણાને આઉટ સ્ટેન્ડિંગ એન્ટ્રેપ્રેન્યોર ગોલ્ડ એવોર્ડ

અમદાવાદ:ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ખાતે કારીગર ક્લિનિક, ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, GTU વેન્ચર્સ અને સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “કારીગર ટેન્ક” અને ગ્રેજ્યુએશન સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામિણ ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતો આ અનોખો કાર્યક્રમ દેશભરના અનેક કારીગરો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન “કારીગર એલ્યુમનાઈ મીટ” તેમજ “કારીગર કનેક્ટ” જેવા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા હતા.

દેશના ૫ રાજ્યોના ૧૧૫ ઉદ્યમીઓને સઘન તાલીમ

સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છ જિલ્લાના સખી મંડળોની બહેનો સહિત દેશના પાંચ રાજ્યોમાંથી પસંદ કરાયેલા ૧૧૫ ગ્રામિણ ઉદ્યમીઓને ૯૦ દિવસના “બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ” અંતર્ગત ઉદ્યોગસાહસિકતાની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન સોશિયલ મીડિયા, સ્ટોરી ટેલિંગ, માર્કેટિંગ, ફાઇનાન્સ અને બ્રાન્ડિંગ સહિત વ્યવસાયના વિવિધ પાસાઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તમામ ૧૧૫ ઉદ્યમીઓને વિશેષ સમારોહમાં ઉદ્યમી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં ૧૬ ગ્રામિણ ઉદ્યમીઓને “गोલ્ડ એવોર્ડ”, ૨૫ ને “રનર અપ એવોર્ડ” અને ૯ ઉદ્યમીઓને “સીડ ફંડ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા હતા. ગોલ્ડ એવોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દેરડી ગામના ઉદ્યમી ભૂપેન્દ્રભાઈ મકવાણાને દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ "આઉટ સ્ટેન્ડિંગ એન્ટ્રેપ્રેન્યોર ગોલ્ડ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આવકમાં ૪૫ ગણો આશ્ચર્યજનક વધારો નોંધાયો

કારીગર ક્લિનિકના ફાઉન્ડર ડો. નિલેશ પ્રિયદર્શી અને નૂપુર કુમારીએ સમગ્ર પ્રોગ્રામના આશ્ચર્યજનક પરિણામો રજૂ કરતા જણાવ્યું હતું કે, કાર્યક્રમની શરૂઆતમાં જોડાયેલા તમામ ગ્રામિણ ઉદ્યમીઓની કુલ આવક અંદાજે રૂ. ૧૧ લાખ હતી, જે ૯૦ દિવસની તાલીમ બાદ વધીને રૂ. ૫ કરોડ ૧૧ લાખ સુધી પહોંચી હતી. ઉદ્યમીઓએ પોતાની આવકમાં આશરે ૪૫ ગણો વધારો નોંધાવ્યો છે. કારીગર ક્લિનિક દ્વારા આ વર્ષે ૭૫૦૦ કિલોમીટર લાંબી “ઉદ્યમ યાત્રા” પણ યોજાઈ હતી, જેમાં દરેક ઉદ્યમીના ઘરે પહોંચી તેમની પ્રગતિનો વાસ્તવિક અભ્યાસ કરાયો હતો.

“શાર્ક ટેન્ક” ની થીમ પર “કારીગર ટેન્ક” મુખ્ય આકર્ષણ

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ “કારીગર ટેન્ક” રહ્યું હતું, જે પ્રખ્યાત “શાર્ક ટેન્ક” ની થીમ પર આધારિત પ્લેટફોર્મ હતું. તેમાં ઉદ્યમીઓએ પોતાના બિઝનેસ અને સંઘર્ષની પ્રેરણાદાયક વાતો જ્યુરી સમક્ષ રજૂ કરી હતી. મૂલ્યાંકનના આધારે ૯ ઉદ્યમીઓને કેશ એવોર્ડ એનાયત કરાયા હતા, જ્યારે GTU દ્વારા ૧૪ ઉદ્યમીઓને રૂ. ૨.૫૦ લાખ સુધીની સ્ટાર્ટઅપ ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

આ ભવ્ય પ્રસંગે GTU ના કુલપતિ ડો. રાજુલ ગજ્જર, રજિસ્ટ્રાર ડો. કે.એન. ખેર, ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અશોક ચેટર્જી, અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) દીપેશ કેડિયા, DRDA ના ડાયરેક્ટર રાજેશ કુચારા, GTU વેન્ચર્સના ગ્રુપ CEO ડો. તુષાર પંચાલ, ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના ભગીરથસિંહ વાઘેલા અને સૃષ્ટિ સંસ્થાના ચેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કુલપતિ ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું કે, સ્કિલ અપગ્રેડ કરીને આગળ વધવા માંગતા લોકોને GTU હંમેશાં સહાય કરે છે અને આ પ્રોગ્રામ કારીગરોને આત્મનિર્ભર બનાવવામાં અસરકારક રહ્યો છે. અશોક ચેટર્જીએ આ કાર્યક્રમને અદભુત ગણાવી દેશભરમાં તેની ચર્ચા કરવાની ખાતરી આપી હતી. જ્યારે DDO દીપેશ કેડિયાએ સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓમાં આવેલા સકારાત્મક પરિવર્તનની પ્રશંસા કરી હતી અને આ પ્રસંગે “અરવલ્લી બ્રાન્ડ” ના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડો. તુષાર પંચાલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(7:52 PM IST)