તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 14th September 2026
પાદરાની જાસપુર ચોકડી પાસે રસ્તામાં ભરાયેલા પાણીમાં દાદી અને પૌત્રી ગટર લાઇનના ઊંડા ખાડામાં ખાબક્યા
નજીકના દુકાનદારોએ તાત્કાલિક દોડી આવી બંનેને સુરક્ષિત બહાર કાઢી જીવ બચાવ્યો:ઘટનાના સીસીટીવી વાયરલ થતાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો

વડોદરા જિલ્લાના પાદરા નગરમાં તંત્રની બેદરકારીના કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાજા અહેવાલો અનુસાર જાસપુર ચોકડી પાસે વરસાદી પાણી ભરેલા માર્ગ પરથી પસાર થઈ રહેલા વૃદ્ધ દાદી અને તેમની માસૂમ પૌત્રી ગટર લાઇન માટે ખોદેલા ઊંડા ખાડામાં અચાનક ખાબક્યા હતા. આ સમગ્ર દુર્ઘટનાના રૂંવાડા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પાદરાની વ્યસ્ત ગણાતી જાસપુર ચોકડી નજીક એક અત્યંત ચિંતાજનક બનાવ બન્યો હતો, જેમાં એક મહિલા પોતાની નાની પૌત્રી સાથે રસ્તો પસાર કરી રહી હતી.
માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા હોવાને કારણે જમીન સમતલ દેખાતી હતી. પગપાળા જઈ રહેલા આ દાદી અને પૌત્રીને જરાય ખ્યાલ નહોતો કે પાણીની નીચે એક ઊંડો ખાડો મોં ફાડીને તૈયાર બેઠો છે. જેવો પગ આગળ પડ્યો કે ક્ષણભરમાં બંને વ્યક્તિઓ ઊંડા પાણી ભરેલા ખાડામાં અંદર ગરકાવ થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, પાદરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અંતર્ગત નવીન ગટર લાઇન નાખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. આ કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની સાઈડમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો.
મહિલા અને બાળકી ખાડામાં પડ્યા તે સમયે આસપાસના દુકાનદારો અને રાહદારીઓની નજર તુરંત પડી હતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નજીકના વેપારીઓ પોતાની દુકાનોમાંથી દોડી આવ્યા હતા.
સ્થાનિક યુવાનોએ પોતાની પરવા કર્યા વિના પાણી ભરેલા ખાડામાં હાથ નાખીને સૌપ્રથમ ડૂબી રહેલી માસૂમ બાળકીને સહીસલામત બહાર ખેંચી લીધી હતી. ત્યારબાદ તરત જ વૃદ્ધ મહિલાને પણ લોકોના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે લોકોની સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી અને બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
