તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
દક્ષિણ ગુજરાતના ફોરેસ્ટ રેન્જમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું
વન વિભાગના પ્રયાસોથી 580 કરોડ લીટર પાણી જમીનમાં ઉતારાયું

સુરત : દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરી સફળ સાબિત થઈ રહી છે. ખાસ કરીને સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારોમાં ‘સોઇલ એન્ડ મોઈશ્ચર કન્ઝર્વેશન’ (એસએમસી) પદ્ધતિ હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભમાં ઉતારવાની કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી નોર્થ-સાઉથ, વડપાડા, વાંકલ, ડુમસ અને મહુવા ફોરેસ્ટ રેન્જમાં વન વિભાગ દ્વારા 170 ચેકડેમ, 215 વન તલાવડી, 55 હિલટોપ ટેન્ક અને પ્રિકોલેશન પોન્ડ, 25 ગેબિયન તેમજ ટ્રેન્ચિસ બનાવવામાં આવી છે. આ તમામ માળખાઓ દ્વારા અંદાજે 580 કરોડ લીટર જેટલું વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે.
1થી 1.5 મીટર સુધી વધ્યું પાણીનું સ્તર
વન વિભાગના પ્રયાસોથી જંગલ વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક વિસ્તારોમાં પાણીનું લેવલ અંદાજે 1થી 1.5 મીટર સુધી ઊંચું આવ્યું છે. વર્ષ 2026-27 દરમિયાન વધુ અંદાજે 82 કરોડ લીટર પાણી બચાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ચેકડેમ અને વન તલાવડીથી થયો પાણીનો સંગ્રહ
વન વિભાગ દ્વારા ઉભા કરાયેલા વિવિધ માળખાઓમાં ચેકડેમ દ્વારા અંદાજે 28.58 લાખ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, જ્યારે વન તલાવડીની ક્ષમતા અંદાજે 21.78 લાખ ક્યુબિક મીટર છે. પહાડી વિસ્તારોમાં હિલટોપ ટેન્ક્સ અને ટ્રેન્ચિસ બનાવી વરસાદી પાણીને વહેતું અટકાવવામાં આવી રહ્યું છે.
‘રિજ ટુ વેલી’ અભિગમથી મળી સફળતા
સુરતના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ગૌરવ લોઢાએ જણાવ્યું હતું કે વન વિભાગે ‘રિજ ટુ વેલી’ અભિગમ અપનાવ્યો છે. આ પદ્ધતિમાં ટેકરીઓ પર પડતું વરસાદી પાણી ખીણમાં વહી જાય તે પહેલાં જ વિવિધ સ્ટ્રક્ચરો દ્વારા રોકવામાં આવે છે. તેનાથી પાણી જમીનમાં ઉતરે છે અને જમીનનું ધોવાણ પણ અટકે છે.
સ્થાનિક આદિવાસી સમુદાયોને મળ્યો રોજગાર
ઉમરપાડા અને વાંકલ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ચેકડેમ અને વન તલાવડી બનાવવાના કામોમાં સ્થાનિક આદિવાસી લોકોને રોજગારી મળી છે. ભૂગર્ભ જળસ્તર ઊંચું આવતા કૂવા અને બોરવેલમાં પાણીની ઉપલબ્ધતા વધી છે. સાથે જ ઉનાળામાં પશુ-પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
