તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
નડિયાદ-સાળંગપુર રૂટના GSRTC કંડક્ટર દ્વારા મુસાફરોને હનુમાન ચાલીસાનું પઠન કરાવે છે : મંત્રીએ વીડિયો કોલ દ્વારા પ્રશંસા કરી
નડિયાદ ST ડેપોના કંડક્ટર સંદીપભાઈ બારોટની સેવાની ચારેકોર પ્રશંસા: મંત્રીએ આ કાર્યને આધ્યાત્મિક ચેતના જગાડવાનું પ્રશંસનીય પગલું ગણાવ્યું ]

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ અવારનવાર પોતાની વિશિષ્ટ કામગીરીને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નડિયાદ ડેપોના કંડક્ટર સંદીપભાઈ બારોટ સોશિયલ મીડિયા અને સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ નડિયાદથી સાળંગપુર રૂટની બસમાં મુસાફરોને માત્ર મંજિલ સુધી પહોંચાડતા નથી, પરંતુ રસ્તામાં હનુમાન ચાલીસાનું સામૂહિક પાઠન કરાવી આખી સફરને ભક્તિમય બનાવી દે છે. તેમની આ નૈતિક અને આધ્યાત્મિક સેવાને રાજ્યના મંત્રી પ્રવીણ માળીએ વ્યક્તિગત રીતે બિરદાવી છે.
રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સંદીપભાઈ બારોટને ખાસ વીડિયો કોલ કરીને તેમની આ પ્રશંસનીય પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સરકારી સેવાની સાથે સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાડવાનું આ કાર્ય ખૂબ જ ઉમદા છે. એક કંડક્ટર તરીકે પોતાની ફરજ નિભાવતા મુસાફરોને માનસિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવવો એ આજના સમયમાં ખૂબ પ્રશનીય છે. મંત્રીના આ આકસ્મિક કોલથી કંડક્ટરે પણ હર્ષની લાગણી અનુભવી હતી અને સરકારનો આભાર માન્યો હતો.
સંદીપભાઈ બારોટ છેલ્લા ઘણા સમયથી સાળંગપુર ધામ જતી બસમાં ફરજ બજાવે છે. તેઓ મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા માટે જાણીતા છે. મુસાફરોના મતે બસમાં જ્યારે હનુમાન ચાલીસાના સૂર ગુંજે છે ત્યારે લાંબો પ્રવાસ પણ થાક વગરનો અને આનંદદાયક બની જાય છે. તેમની આ અનોખી કાર્યશૈલીને કારણે યાત્રિકોમાં તેઓ અત્યંત લોકપ્રિય બન્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો વાયરલ થતા લોકો તેમની કામગીરીને સલામ કરી રહ્યા છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
