તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ માટે GSRTC દ્વારા ૧૦૦૦ બસો અને ૩૦,૦૦૦ ટ્રીપોનું આયોજન : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ તથા નવીન બસોનું લોકાર્પણ
૨૬ સપ્ટેમ્બર સુધી ૧૫ લાખ યાત્રાળુઓ મેળવશે એસ.ટી. સેવાનો લાભ : અંબાજી ખાતે ૧૦ બૂથ, જીપીએસ મોનિટરિંગ, કંટ્રોલ રૂમ, હંગામી શેડ અને પાયાની સુવિધાઓ સાથે તંત્ર સજ્જ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ નિમિત્તે પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની સુવિધા અર્થે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ખાસ ‘એક્સ્ટ્રા બસ સંચાલન’નો શુભારંભ તથા નવીન બસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી પ્રવિણ માળી અને શહેરી વિકાસ મંત્રી દર્શનાબહેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ૨૬ સપ્ટેમ્બર સુધી પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા અંબાજી મેળાનું વિશેષ સંચાલન કરવામાં આવશે. આ વર્ષે ૧,૦૦૦ જેટલી બસો થકી વધારાની ૩૦,૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે, જેનો અંદાજે ૧૫ લાખ જેટલા યાત્રાળુઓ લાભ મેળવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં ૯૦૦ જેટલી બસો થકી ૨૮,૫૦૬ ટ્રીપો દ્વારા ૧૩.૦૯ લાખ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી.
અંબાજી ખાતે વિશેષ સુવિધાઓ અને કંટ્રોલ રૂમ:
યાત્રિકોની સુવિધા માટે અંબાજી ખાતે કુલ ૧૦ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં સુપરવાઇઝર અને બૂથ ઇન્ચાર્જ ફરજ બજાવશે. આ ઉપરાંત હંગામી પેસેન્જર શેડ, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઇક એનાઉન્સમેન્ટ, સંપર્ક નંબરના બોર્ડ અને માર્ગદર્શન માટે હોર્ડિંગ્સ/બેનર્સ મૂકાયા છે. તમામ બસોના રીયલ-ટાઇમ મોનિટરિંગ માટે જીપીએસ ટેકનોલોજી આધારિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. કોઈ અણબનાવ ન બને તે માટે ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ડેપો ખાતે ફાયર ફાઇટરની તૈનાતી રખાઈ છે.
મુખ્ય રૂટો પર સતત બસ સેવા:
યાત્રાળુઓની સુવિધા માટે અંબાજીથી ગબ્બર, આબુરોડ, દાંતા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર; અંબાજીથી મહેસાણા, વિસનગર, બેચરાજી, વડનગર, ખેરાલુ; તેમજ અંબાજીથી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અમદાવાદ, શામળાજી અને ભિલોડા જેવા મુખ્ય માર્ગો પર સતત બસ સેવા કાર્યરત રહેશે.
આ લોકાર્પણ પ્રસંગે વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ ધારાસભ્ય અમિત ઠાકર, હસમુખ પટેલ, અમુલ ભટ્ટ, કૌશિક જૈન અને દિનેશ કુશવાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
