<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

GSRTCની મોટી પહેલ: એસ.ટી. બસની સમસ્યાઓ હવે એક ક્લિકમાં થશે હલ, પ્રવાસીઓની ફરિયાદ માટે નવી QR કોડ ફીડબેક સિસ્ટમ લોન્ચ

ગાંધીનગરથી શરૂઆત, બસમાં લાગેલા QR કોડ સ્કેન કરતાં જ ફરિયાદ સીધી તંત્ર સુધી પહોંચશે, સ્વચ્છતા, સ્ટાફનું વર્તન, બસની સ્થિતિ સહિતની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ, 60 દિવસમાં સમગ્ર રાજ્યમાં અમલ

ગાંધીનગર તા.૧૫ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે મોટી પહેલ કરવામાં આવી છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન પડતી કોઈપણ સમસ્યાનું નિરાકરણ માત્ર એક ક્લિકમાં મળી જશે. નિગમે બસની અંદર જ QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ શરૂ કરી છે, જેથી પ્રવાસીઓ પોતાની ફરિયાદ કે સૂચન સીધા તંત્ર સુધી પહોંચાડી શકશે.

 

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસ.ટી. ડેપો ખાતેથી આ નવી સિસ્ટમનું લોન્ચિંગ કર્યું હતું. પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની 1850 બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટિંગ મશીનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આગામી 60 દિવસમાં રાજ્યની તમામ 8000થી વધુ બસોમાં QR કોડ લગાવી દેવામાં આવશે.

 

*કેવી રીતે કામ કરશે સિસ્ટમ?*  

પ્રવાસીઓએ બસમાં લગાવેલા QR કોડને પોતાના મોબાઈલથી સ્કેન કરવાનો રહેશે. સ્કેન કરતાં જ એક ફોર્મ ખુલશે જેમાં પ્રવાસી પોતાની ફરિયાદ લખી શકશે. બસની સ્વચ્છતા, કંડક્ટર-ડ્રાઈવરનું વર્તન, બસની ટેકનિકલ ખામી, સમયસર ન ઉપડવી, વધુ ભાડું વસૂલવું કે અન્ય કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવી શકાશે. ફરિયાદ સીધી GSRTCના સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સંબંધિત ડેપો મેનેજર સુધી પહોંચી જશે.

 

ફરિયાદ મળ્યાની સાથે જ તેનું નિરાકરણ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. પ્રવાસીને SMS દ્વારા ફરિયાદ નંબર અને સ્ટેટસ અપડેટ મળતા રહેશે. જો ફરિયાદ સાચી હશે તો જવાબદાર કર્મચારી સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. આ સિસ્ટમથી પારદર્શિતા વધશે અને કર્મચારીઓની જવાબદારી નક્કી થશે.

 

GSRTC પહેલેથી જ ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. નિગમ દ્વારા અગાઉ કેશલેસ ટિકિટિંગ માટે UPI અને કાર્ડ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ગયા વર્ષે 37 લાખથી વધુ પ્રવાસીઓએ ડિજિટલ માધ્યમથી ટિકિટ ખરીદીને ₹30.53 કરોડની આવક કરી હતી. રોજના સરેરાશ 15,000 પ્રવાસીઓ ડિજિટલ પેમેન્ટ કરે છે અને નિગમને રોજની ₹13 લાખની આવક થાય છે.

 

આ ઉપરાંત 'GSRTC Live Tracking' મોબાઈલ એપ દ્વારા 7.5 લાખથી વધુ પ્રવાસીઓ 8000થી વધુ બસોનું લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યા છે. હવે QR ફીડબેક સિસ્ટમથી પ્રવાસીઓની ફરિયાદોનું પણ ઝડપથી નિરાકરણ આવશે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળે તે માટે અમે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છીએ. 2000 નવી બસો પણ ટૂંક સમયમાં કાફલામાં ઉમેરાશે."

 

આ સિસ્ટમ આણંદ જિલ્લામાં સરકારી કચેરીઓમાં પહેલેથી જ સફળ રહી છે, જ્યાં દર મહિને 200થી 300 ફીડબેક મળે છે અને તેના આધારે કર્મચારીઓ સામે પગલાં પણ લેવાય છે.

(4:44 PM IST)