<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ગુજરાતમાં દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આગની ચપેટમાં આવવાથી 62 લોકો દાઝ્યા, એકલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 દર્દીઓ નોંધાયા

દીવાળીના ઉત્સવ વચ્ચે રાજ્યભરમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાઓ પર વધ્યો ભારે બોજ, માર્ગ અકસ્માતો અને ટ્રોમાના કેસોમાં પણ નોંધપાત્ર ઉછાળો.

અમદાવાદ : દિવાળીના પાવન પર્વ પર આતિશબાજી અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અનેક અપ્રિય બનાવો સામે આવ્યા છે. તહેવારના દિવસે ફટાકડા ફોડતી વખતે અને તેની અડફેટે આવવાથી સમગ્ર ગુજરાતમાં કુલ 62 લોકોના દાઝી જવાના બનાવો સામે આવ્યા છે. આ તમામ આંકડાઓમાં સૌથી વધુ 13 કેસો સાથે અમદાવાદ શહેર સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

તહેવારના આ માહોલ વચ્ચે રાજ્યભરમાં ઇમરજન્સી તબીબી સેવાઓ ઉપર ભારે દબાણ જોવા મળ્યું હતું. 108 એમ્બ્યુલન્સ સેવાને સામાન્ય દિવસોની સરખામણીમાં 13.12 ટકા વધુ ઇમરજન્સી કેસો હેન્ડલ કરવા પડ્યા હતા. સામાન્ય દિવસોમાં જ્યાં કુલ 5246 ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, ત્યાં દિવાળીના દિવસે આ આંકડો વધીને 5934 પર પહોંચી ગયો હતો, જેમાં કુલ 688 કેસોનો વધારો નોંધાયો હતો. 108 ઇમરજન્સી સેવાના ગુજરાતના જનસંપર્ક અધિકારી વિકાસ બિહાનીના જણાવ્યા અનુસાર તહેવાર દરમિયાન કોઈપણ આપાતસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો સંપૂર્ણપણે એલર્ટ હતી.

આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વધારો માર્ગ અકસ્માતો અને વાહન દુર્ઘટનાઓથી જોડાયેલા કેસોમાં નોંધાયો હતો. વાહન અકસ્માતના આંકડા સામાન્ય દિવસોના 646 થી વધીને 1212 થઈ ગયા, જે વાહન અકસ્માતના ટ્રોમા કેસોમાં 87.49 ટકાનો ભારે વધારો દર્શાવે છે. આ ઉપરાંત બિન વાહન અકસ્માત સંબંધિત ટ્રોમાના કેસો પણ સામાન્ય દિવસોના 595 થી વધીને 1043 થઈ ગયા, જે 75.17 ટકા વધુ છે. અજ્ઞાત સમસ્યાઓ અને પોઈઝનિંગના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

દિવાળી દરમિયાન દાઝી જવાના કુલ 62 કેસોમાંથી અમદાવાદમાં 13 અને સુરતમાં 12 લોકો પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત કચ્છ અને રાજકોટમાં પાંચ પાંચ કેસો નોંધાયા જ્યારે ગાંધીનગર અને વડોદરામાં ચાર ચાર લોકો દાઝ્યા હતા. આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડમાં બે બે લોકો દાઝ્યા જ્યારે અન્ય જિલ્લાઓમાં એક એક કેસ સામે આવ્યો હતો.

(2:33 PM IST)