<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

અનેક ખેતપેદાશોમાં અગ્રેસર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા ધન-ધાન્યો માટે અનુકૂળ : પાક ઉત્પાદનની સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણ માટે ઉત્તમ : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં 'ખેડૂતોની સમૃદ્ધિ માટે મૂલ્યવર્ધન અને ઉચ્ચ વળતર' વિષય પર સેમિનાર યોજાયો :સેમિનારમાં ખેતી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે રૂ.૨૯૫ કરોડના MOU કરાયા

 સુરત:સુરત ખાતે આયોજિત 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬' અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં 'ખેડૂતોની સમૃદ્ધિ માટે મૂલ્યવર્ધન અને ઉચ્ચ વળતર' વિષય પર સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ખેતી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે રૂ.૨૯૫ કરોડના MOU કરાયા હતા.
  આ પ્રસંગે સેમિનારને સંબોધતા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજ્ય સરકારના કૃષિ પ્રોસેસિંગ ક્ષેત્રના વિઝન અને રોડમેપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, મગફળી, કપાસ, દિવેલ, રાયડા, ચણા સહિતની અનેક ખેતપેદાશોમાં અગ્રેસર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા ધન ધાન્યો માટે અનુકૂળ હોવાથી પાક ઉત્પાદનની સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણ માટે ગુજરાત ઉત્તમ ક્ષેત્ર છે.
  વધું મંત્રીએ કૃષિ અને બાગાયત ક્ષેત્રે પ્લાન્ટ અને મશીનરી, એગ્રિ બિઝનેસ એકમો, કૃષિ સ્ટાર્ટપ, કૃષિ સહકારી મંડળીઓ, કૃષિ ફૂડ પાર્ક જેવી સરકારની અનેકવિધ યોજનાઓ વિશે વાત કરી તેનો મોટા પાયે લાભ લેવા આહવાન કર્યૂ હતું. તેમણે કહ્યું કે, ખેડૂત અને વ્યાપારીઓ વચ્ચે પ્રમાણિકતા અને નિષ્ઠા રહેશે તો ગુજરાતનો ખાદ્ય વ્યાપાર ખૂબ વિકાસ કરશે. તેમજ દરેક તબક્કે ખેડૂત અને કૃષિ એકમોના વિકાસ માટે કાર્ય કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી. અંતે મંત્રીએ વાતથી વાસ્તવિકતાના અમલીકરણ માટે વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને લોકલથી ગ્લોબલના સૂત્રને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનોને વાચા આપી હતી.
   આ પ્રસંગે ઉપસ્થિત અન્ય અગ્રણીઓએ પણ કૃષિ ક્ષેત્રને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા થતા પ્રયત્નો અને યોજનાઓ તેમજ તેનાથી થતા લાભોની ચર્ચા કરી હતી.
  સેમિનારમાં ઇરમા (IRMA) ના પ્રોફેસર શ્રીમતી પ્રીતિ પ્રિયા, ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્કના પ્રમોટર ડાયરેક્ટર  પ્રણવ દોશી,અમૂલ (GCMMF) ના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતા,કોટેજ ઇન્ડસ્ટ્રીના પ્રિન્સીપાલ સેક્રેટરી મોહમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા.

(6:33 PM IST)