<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ગુજરાતમાં એક જ વર્ષમાં ૮૯૮૪ લોકોનો આપઘાત, ૭૧ ટકા પુરુષો

આજની ઝડપી જીવનશૈલીએ મૃત્યુને પણ ઝડપી બનાવ્યું : ૩૦ ટકા બનાવો માત્ર રાજ્યના ચાર મહાનગરોમાંથીઃ મજૂરો, ગૃહિણીઓ, ધંધાર્થીઓ, છાત્રોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક

અમદાવાદ તા.૯: આજની ઝડપી જીવશૈલીમાં આત્મહત્યાના બનાવો પણ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે દેશમાં દોઢ લાખથી વધુ લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૨૪ના એક જ વર્ષમાં ૮૯૮૪ લોકોએ વિવિધ કારણોસર પોતાની જીંદગીથી કંટાળી મોતને વ્હાલું કર્યું હતું. એટલે દરરોજ રાજ્યમાં ૨૪થી ૨૫ વ્યકિત પોતાની જીવનલીલા સંકેલી દે છે. જેમાં પુરુષોનું પ્રમાણ ૭૧ ટકા અને મહિલાઓનું ૨૯ ટકા જોવા મળ્યું હતું

એનસીઆરબી એટલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ૮૯૪૮ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૩૦ ટકા જેટલા કેસ તો માત્ર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં નોંધાયા હતા. દેશના શહેરોમાં સૌથી વધુ આપઘાતનું પ્રમાણ હોય તેવા શહેરોમાં રાજકોટ બીજા ક્રમે છે. સમૃદ્ધ અને વિકસિત ગણાતા ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ રાજસ્થાન, પંજાબ,  હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કરતા કંઈક વધારે છે. બીજી તરફ વર્ષ ૨૦૨૩ની સરખામણીએ જ્યાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ગોવા જેવા કેટલાક રાજ્યોમાં આપઘાતના બનાવમાં બેથી ચાર ટકાનો ઘટાડો થયો હતો, ત્યારે ગુજરાતમાં ૦.૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક લાખે આત્મહત્યાની દેશની સેરરાશ કરતા પણ ગુજરાતની સરેરાશ વધારે છે. આત્મહત્યા કરતા લોકોમાં પુરુષોનું પ્રમાણ ચિતાજનક રીતે ૭૦ ટકા જેટલું ઉચુ છે. આપઘાતના ૪૦ ટકા બનાવોમાં તો પારિવારિક ઝઘડા અને કેન્સર, એઈડ્સ, પેરાલીસિસ જેવી ગંભીર બીમારી જવાબદાર હતા બીમારીમાં પણ ૪૫થી ૫૦ ટકા જેટલા કિસ્સામાં માનસિક બીમારી કારણભૂત હતી.

રાજ્યમાં કુલ આત્મહત્યાના બનાવોમાં ૩પ ટકા તો ફકત દૈનિક વેતન મેળવતા મજૂરો હતા. જ્યારે બીજા નંબરે સૌથી વધુ વીસેક ટકા ગૃહિણીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સિવાય ધંધાર્થીઓ અને છાત્રોમાં પણ આપઘાતનું પ્રમાણ નોંધપાત્ર છે. આપઘાત કરનાર ૬૦-૬૫ ટકા લોકો૧૮થી ૪૫વર્ષના હતા.

કયા ક્ષેત્રમાં કેટલા લોકોનો આપઘાત
મજૂરો    ૩૦૮૫
ગૃહિણી    ૧૭૭૧
વ્યવસાયિકો
નોકરિયાતો    ૧૨૫૧
સ્વરોજગાર    ૧૦૮૨ (ધંધાર્થી -૭૩૮)
વિદ્યાર્થીઅો    ૫૬૮
બેરોજગાર    ૨૫૦
ખેડૂત/ કૃષિ મજૂર    ૧૪૩
નિવૃત લોકો    ૮૪
અન્ય    ૭૩૦

 

આત્મહત્યાના કારણો
પારિવારિક ઝઘડા    ૧૫૯૧
ગંભીર બીમારી    ૨૦૧૧
દારુ, ડ્રગ્સનું વ્યસન    ૧૧૩
લગ્નજીવનના પ્રશ્નો    ૫૯૪
પ્રેમ પ્રકરણ    ૫૭૨
કારકિર્દીના પ્રશ્નો    ૫૨૮
આર્થિક સંકળામણ, દેવું    ૧૫૨
પરીક્ષામાં નાપાસ થવું    ૧૦૮
સ્વજનનું મૃત્યુ    ૧૪૫
ગરીબી    ૨૯
અન્ય    ૨૮૨૪

(10:38 AM IST)